100 મીટરની સિક્સ માટે 8 રન, 3 વિકેટ પર વધારાની એક ઓવર

IPL 2026 પહેલા રમતને વધુ રોમાંચક બનાવવા માટે કેટલાક નવા નિયમોની ચર્ચા શરૂૂ થઈ છે. ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર અને જાણીતા કોમેન્ટેટર આકાસ ચોપરાએ IPL…

IPL 2026 પહેલા રમતને વધુ રોમાંચક બનાવવા માટે કેટલાક નવા નિયમોની ચર્ચા શરૂૂ થઈ છે. ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર અને જાણીતા કોમેન્ટેટર આકાસ ચોપરાએ IPL માટે ત્રણ મોટા સૂચનો આપ્યા છે, જે અમલમાં આવે તો ટી-20 ક્રિકેટમાં મોટો બદલાવ જોવા મળી શકે છે.

આકાશ ચોપરાના મતે હાલનીIPLમાં બેટ્સમેનોનું પ્રભુત્વ વધુ જોવા મળે છે. સપાટ પિચ અને નાના બાઉન્ડરીના કારણે મોટા સ્કોર સામાન્ય બની ગયા છે. આવી સ્થિતિમાં બોલરોને પણ થોડો ફાયદો મળે અને મેચ વધુ સંતુલિત બને તે માટે તેમણે BCCI સમક્ષ કેટલાક ખાસ સૂચનો રજૂ કર્યા છે.

આકાશ ચોપરાનું પહેલું સૂચન બોલરો માટે છે. તેમના કહેવા પ્રમાણે, જો કોઈ બોલર મેચ દરમિયાન ત્રણ અથવા તેથી વધુ વિકેટ લે છે, તો તેને એક વધારાની ઓવર ફેંકવાની તક મળવી જોઈએ. હાલમાં ટી-20 ક્રિકેટમાં દરેક બોલર માટે ચાર ઓવરની મર્યાદા છે, પરંતુ આ નવા નિયમથી સારૂૂ પ્રદર્શન કરનારા બોલરને પાંચમો ઓવર મળી શકે. આ બદલાવથી બોલરોને વધુ પ્રોત્સાહન મળશે અને મેચમાં રોમાંચ પણ વધશે.

બીજું સૂચન પોઈન્ટ સિસ્ટમને લઈને છે. આકાશ ચોપરા માને છે કે લીગ સ્ટેજમાં મોટી જીત મેળવનારી ટીમને વધારાનો એક પોઈન્ટ મળવો જોઈએ. ઉદાહરણ તરીકે, જો કોઈ ટીમ 15 અથવા 16 ઓવરમાં મેચ જીતી લે અથવા 40થી વધુ રનથી જીત મેળવે, તો તેને બેના બદલે ત્રણ પોઈન્ટ આપવામાં આવે. આ નિયમથી ટીમો માત્ર જીત માટે નહીં પરંતુ મોટી જીત માટે પણ આક્રમક રમત રમતી જોવા મળી શકે.

ત્રીજું અને સૌથી રસપ્રદ સૂચન લાંબા છગ્ગાને લઈને છે. આકાશ ચોપરાના કહેવા પ્રમાણે, જો કોઈ બેટ્સમેન 100 મીટર અથવા તેથી વધુ લાંબો છગ્ગો ફટકારે, તો ટીમને છના બદલે આઠ રન મળવા જોઈએ. તેમના મતે આ નિયમથી ખેલાડીઓ વધુ મોટા શોટ રમવાનો પ્રયાસ કરશે, જેના કારણે મેચમાં ઉત્સાહ અને મનોરંજન બંનેમાં વધારો થશે. જોકે, મોટા શોટ રમવાના પ્રયાસમાં વિકેટ ગુમાવવાનો જોખમ પણ વધી શકે છે.

આકાશ ચોપરાના આ ત્રણેય સૂચનો સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બન્યા છે. હવે જોવાનું રહેશે કે બીસીસીઆઇ આ સૂચનો પર ગંભીરતાથી વિચાર કરે છે કે નહીં. જો આવનારા સમયમાં આવા નિયમો અમલમાં આવે, તોIPLનું રૂૂપ વધુ રોમાંચક અને અનોખું બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *