કોડીનારના સિંધાજમાં 8 સિંહોએ વાછરડાનું મારણ કર્યું

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સિંધાજ ગામે ગઈકાલે મોડી રાત્રે કુદરતનો એક એવો હૃદયદ્રાવક નજારો જોવા મળ્યો હતો, જેણે માનવીય સંવેદનાઓને હચમચાવી દીધી છે. શિકારની…

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સિંધાજ ગામે ગઈકાલે મોડી રાત્રે કુદરતનો એક એવો હૃદયદ્રાવક નજારો જોવા મળ્યો હતો, જેણે માનવીય સંવેદનાઓને હચમચાવી દીધી છે. શિકારની શોધમાં ગામમાં ઘૂસી આવેલા 8 થી 9 સિંહોના પરિવારે એક વાછરડાનો શિકાર કર્યો હતો. જોકે, આ લોહિયાળ મિજબાની વચ્ચે એક ગાયે પોતાના મૃત્યુનો ભય છોડી માતૃત્વની એવી મિસાલ પેશ કરી કે જોનારાની આંખો ભીની થઈ ગઈ હતી.
ગઈકાલે મધ્યરાત્રિએ સિંધાજ ગામની શેરીઓમાં અચાનક 8 થી 9 સિંહોનું ટોળું શિકારની શોધમાં ચઢી આવ્યું હતું. સિંહોની હાજરીથી રખડતા પશુઓ અને શ્વાનોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

આ સમગ્ર ઘટના ગામમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં સિંહ પરિવાર નિર્ભય બનીને ગામની બજારોમાં લટાર મારતો જોવા મળે છે.આ ટોળાએ એક વાછરડાને ઘેરી લઈ તેનું મારણ કર્યું હતું. જ્યારે બે શક્તિશાળી સિંહો વાછરડાના દેહને ફાડી રહ્યા હતા, ત્યારે ત્યાં જ હાજર વાછરડાની માતા (ગાય) પોતાની જિંદગીની પરવા કર્યા વગર ઊભી રહી હતી. સામાન્ય રીતે સિંહને જોઈને ગમે તેવા પશુઓ જીવ બચાવવા ભાગતા હોય છે, પરંતુ અહીં ગાયે માતૃત્વના વશમાં થઈ ભાગવાને બદલે સિંહોની વચ્ચે જઈ પોતાના લોહીલુહાણ સંતાનને વહાલ કરવાનું ચાલુ રાખ્યું હતું. સિંહો મારણ કરી રહ્યા હતા અને ગાય અત્યંત વ્યાકુળ અવસ્થામાં પોતાના બચ્ચા પાસે ઉભી રહી કરુણ દ્રશ્યો સર્જતી હતી.

ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ટ્રેકરો દ્વારા આ સિંહ પરિવારનું લોકેશન ટ્રેસ કરી તેમના પર સતત નજર રાખવામાં આવી રહી છે. વન વિભાગે ગ્રામજનો ને જણાવ્યું હતુ કે રાત્રિના સમયે એકલ-દોકલ બહાર ન નીકળવું. તેમજ સિંહોની પજવણી ન કરવી કે ટોળે વળીને તેમને જોવા ન જવું. પાલતુ પશુઓને સુરક્ષિત જગ્યાએ બાંધવા.

ત્યારે સ્થાનિક ગ્રામજનો એ જણાવ્યું હતું કે “આ ઘટના માત્ર વન્યજીવ અને શિકારની નથી, પરંતુ જીવમાત્રમાં રહેલી સંવેદનાનું ઉદાહરણ છે. સિંહો સામે એક લાચાર ગાયનું અડગ ઉભા રહેવું એ સાબિત કરે છે કે માતૃત્વની લાગણી દુનિયાના દરેક ડર કરતા મોટી હોય છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *