પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી દરમિયાન નાગરિકોની આરોગ્ય સુરક્ષા અને કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં ત્વરિત તબીબી સહાય પૂરી પાડવા માટે 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસિસ (EMS) દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ભૂતકાળના વર્ષોમાં નોંધાયેલા ઇમરજન્સી કેસોના આંકડાઓ અને વર્તમાન વલણોના વિશ્ર્લેષણના આધારે તહેવારો દરમિયાન ઇમરજન્સી કેસોમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લામાં 66 એમ્બ્યુલન્સ અને 250 જેટલા કર્મચારીઓની ટીમને સજ્જ રાખવામાં આવી છે.
108ના રાજકોટ પ્રોગ્રામ મેનેજર જયેશ કરેણા અને યોગેશ જાનીએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં સામાન્ય દિવસોમાં સરેરાશ 281 ઇમરજન્સી કોલ નોંધાય છે. જેની સરખામણીએ દિવાળીના દિવસે 16.73 ટકાના વધારા સાથે અંદાજે 328, નૂતન વર્ષના દિવસે 8.19 ટકાના વધારા સાથે 304 અને ભાઈબીજના દિવસે 12.81 ટકાના વધારા સાથે અંદાજે 317 ઇમરજન્સી કેસ નોંધાવાની સંભાવના છે. આ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લામાં એમ્બ્યુલન્સ અને મેડિકલ સ્ટાફને પૂરતી તૈયારી સાથે તૈનાત રાખવામાં આવશે.
ગુજરાત રાજ્યના સ્તરે પણ ઇમરજન્સી કેસોમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા એક વર્ષના આંકડાઓના વિશ્ર્લેષણ મુજબ સામાન્ય દિવસોમાં સરેરાશ 5,248 ઇમરજન્સી કેસની સરખામણીએ દિવાળીના દિવસે 16.44 ટકાના વધારા સાથે અંદાજે 6,111, નૂતન વર્ષના દિવસે 29.12 ટકાના વધારા સાથે 6,776 અને ભાઈબીજના દિવસે 22.96 ટકાના વધારા સાથે અંદાજે 6,453 ઇમરજન્સી કેસ નોંધાવાની શક્યતા છે.
તહેવારો દરમિયાન ઇમરજન્સી સેવાઓની જરૂૂરિયાત વધવાના મુખ્ય કારણોમાં રોડ અકસ્માત સહિતના ટ્રોમા કેસનો સમાવેશ થાય છે. આંકડાકીય વિશ્ર્લેષણ મુજબ સામાન્ય દિવસોની સરખામણીએ ટ્રોમા સંબંધિત કેસોમાં દિવાળીના દિવસે 88.24 ટકા, નૂતન વર્ષના દિવસે 140.87 ટકા અને ભાઈબીજના દિવસે 57.28 ટકાનો વધારો જોવા મળે છે. આ ઉપરાંત તાવ, શ્વાસોશ્વાસની તકલીફ, હૃદયરોગનો હુમલો, પેટમાં દુખાવો સહિતની વિવિધ તબીબી ઇમરજન્સીમાં પણ 108ની સેવાઓ મહત્ત્વપૂર્ણ બની રહે છે.
સંભવિત ઇમરજન્સી કેસોમાં વધારાને પહોંચી વળવા 108 ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર (ERC) ખાતે ઝીરો લીવ અને સાપ્તાહિક રજાઓનું નિયંત્રણ રાખીને વિશેષ ડ્યૂટી રોસ્ટર તૈયાર કરવામાં આવ્યું છે. એમ્બ્યુલન્સની ઝડપી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા મુખ્ય હોસ્પિટલો ખાતે ફિલ્ડ સ્ટાફ અને સુપરવાઇઝરી સ્ટાફની તૈનાતી, સ્ટેન્ડબાય સપોર્ટ ટીમોની વ્યવસ્થા તેમજ તમામ એમ્બ્યુલન્સનું અગાઉથી સર્વિસિંગ અને મેન્ટેનન્સ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વાહનોમાં કોઈ ટેકનિકલ ખામી કે બ્રેકડાઉન ન સર્જાય તે માટે વિશેષ તકેદારી સાથે દવાઓ અને મેડિકલ ક્ધઝ્યુમેબલ્સનો પૂરતો તેમજ વધારાનો જથ્થો પણ ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે. 108ના ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન નાગરિકોને સમયસર અને અસરકારક તબીબી સહાય મળી રહે તે માટે સમગ્ર ટીમ સંપૂર્ણ સજ્જ છે.
સલામત દિવાળીની ઉજવણી માટે નાગરિકોને અપીલ
ચીફ ઓપરેટિંગ ઓફિસરશ્રી જશવંત પ્રજાપતિએ 108 પરિવાર વતી ગુજરાતના તમામ નાગરિકોને દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. સાથે જ તહેવારોની ખુશીઓ વચ્ચે સલામતી અને સાવચેતી જાળવવા ખાસ અપીલ કરી હતી. વાહન ચલાવતી વખતે ટ્રાફિક નિયમોનું પાલન કરવા, ફટાકડા ફોડતી વખતે સાવચેતી રાખવા તેમજ ખાદ્યપદાર્થોનું સેવન કરતી વખતે પૂરતી તકેદારી રાખવા તેમણે અનુરોધ કર્યો હતો. કોઈપણ પ્રકારની ઇમરજન્સી સર્જાય ત્યારે સમય બગાડ્યા વિના તાત્કાલિક તબીબી સહાય મેળવવા 108 પર કોલ કરવા પણ નાગરિકોને અપીલ કરવામાં આવી છે.
