આખા વર્ષની બીલ જમા રકમ ચૂકતે કરાશે; આ વર્ષ સોલાર ગ્રાહકોમાં 60.97 ટકાનો વધારો
સોલાર યુગમાં હવે દરેક ગ્રાહક વીજળી ઉત્પદ કરીને આર્થિક પગભર પણ બનતો જાય છે. પશ્ર્ચિમ ગુજરાત વિજ કંપની લીમીટેડ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌર ઉર્જા ક્ષેત્રે ભારતને અગ્રેસર બનાવવાની પરિકલ્પનાને સાકાર કરવાના ભાગ રૂપે અવિરત કામગીરી કરવામાં આવે છે. જેના ભાગ રૂપે સૌલાર લગાવનાર ગ્રાહકોની સંખ્યામાં પણ ઉતરોતર વધારો જોવા મળી રહ્યો છે. વર્ષ દરમિયાન ઘર ઉપર લગાવવામાં આવેલી સૌલાર પેનલથી વીજળી ઉત્પન થતી રહે છે. જેમાંથી ઘરના વપરાશ બાદ પણ વિજળી સરપ્લસ થઇને ગ્રીડમાં ચાલી જાય છે અને આ સરપ્લસ વીજળીનું પણ ગ્રાહકને ચૂકવણું કરવમાં આવે છે.
પી.જી.વી.સી.એલ. દ્વારા વર્ષ 2024-25 દરમિયાન એલ.ટી. કેટેગરીના કુલ 291487 ગ્રાહકો પાસેથી 391.35 મીલીયન યુનિટ સોલાર પાવરની ખરીદી કરવામાં આવેલ છે. જેમાં ગત વર્ષ 2023-24ની સરખામણીએ સોલાર ગ્રાહકોની સંખ્યામાં 60.97% અને સોલાર પાવર ખરીદી અન્વયે ગ્રાહકોને પેમેન્ટની રકમમાં 57.55% નો અદભૂતપૂર્વ વધારો નોંધાયેલ છે.
વર્ષ 2024-25 દરમિયાન પીજી.વી.સી.એલ. દ્વારા ખરીદ કરવામાં આવેલ અન્વયે રૂૂ.65.58 કરોડનું માનવંતા ગ્રાહકોને ટૂંક સમયમાં પેમેન્ટ કરવામાં આવશે. આથી હજુ પણ વધુને વધુ ગ્રાહકો કેન્દ્ર સરકારની સોલાર સ્કીમ અંતર્ગત સબ સીડીનો લાભ લઈને સોલાર પાવર અપનાવીને વીજ ક્ષેત્રે આત્મનિર્ભર બનવા તેમજ ગ્રીન એનર્જી દ્વારા પર્યાવરણ જાળવણીમાં પોતાનું અમુલ્ય યોગદાન આપે તેવો અનુરોધ કરવામાં આવે છે.


