રાજ્યમાં 60000 પાસ ઉમેદવારો શિક્ષકની કાયમી ભરતીની રાહમાં

રાજકોટમાં શિક્ષકોની ભરતીને લઈને આંદોલનના એંધાણ વરતાઈ રહ્યા છે.શિક્ષક બનવા આતુર ટીઇટી પાસ ઉમેદવારો કાયમી શિક્ષક ભરતીમાં સરકારના ઢીલા વલણથી નારાજ થયા છે. રોષે ભરાયેલા…

રાજકોટમાં શિક્ષકોની ભરતીને લઈને આંદોલનના એંધાણ વરતાઈ રહ્યા છે.શિક્ષક બનવા આતુર ટીઇટી પાસ ઉમેદવારો કાયમી શિક્ષક ભરતીમાં સરકારના ઢીલા વલણથી નારાજ થયા છે. રોષે ભરાયેલા ઉમેદવારોએ તંત્ર પર આક્ષેપ કરતાં જણાવ્યું કે યુવાનોના ભવિષ્ય સાથે સરકાર રમત કરી રહી છે. સરકારને માત્ર જ્ઞાન સહાયકની વૈકલ્પિક વ્યવસ્થામાં જ રસ છે. સરકાર માત્ર કાયમી ભરતીની પોકળ વાતો કરે છે પરંતુ ભરતીને લઈને કોઈ અસરકાર કામગીરી કરી રહી નથી.

રોષે ભરાયેલા ટીઇટી પાસ ઉમેદવારે વ્યથા જણાવતા કહ્યું કે 2024માં શિક્ષકોની ભરતી કરવાને લઈને સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આજ દીન સુધી આ જાહેરાતનો અમલ થયો નથી. ભરતીની જાહેરાત કરનાર સરકારે 9 થી 12નું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પણ આપ્યું નથી, અને ના તો વિદ્યાસહાયક 1 થી 8નું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આપ્યું. ઉમેદવારો પરીક્ષા આપ્યા બાદ કાયમી ભરતીની રાહ જોતા બેઠા છે તેમાં સરકારે જ્ઞાન સહાયકની વૈકલ્પિક વ્યવસ્થાને પ્રાથમિક શિક્ષકોની ભરતીની જાહેરાત કરી દીધી.

અત્યારે પ્રાથમિક શિક્ષકોનો જિલ્લા બદલી કેમ્પ ચાલે છે. ત્યારબાદ વધેલી જગ્યામાં છૂટા થયેલા જ્ઞાન સહાયકને ફરી સ્થાન આપવામાં આવશે.અને 9 થી 12ની અંદર જે ખાલી રહેલી જગ્યા છે ત્યાં જગ્યા વધારવા અને વર્ગ વધારવાને સરકારે મંજૂરી આપી છે. આ ખાલી જગ્યામાં ફરી જ્ઞાન સહાયકોનો સમાવેશ કરવામાં આવશે. આમ, જોઈએ તો સરકાર શિક્ષકોની ભરતી કરવાના બદલે વૈક્લિપક વ્યવસ્થાથી જ પોતાનું કામ ચલાવે છે. કહી શકાય કે સરકારે વૈકલ્પિક વ્યવસ્થાને કાયમી બનાવી બનાવી દીધી છે. અને એટલે જ અમે સરકારને પૂછીએ કે આખરે કાયમી શિક્ષકોની ભરતી કરાશે કે પછી ઉમેદવારો રાહ જોયા કરશે.

વિદ્યા સમીક્ષા કેન્દ્ર ઉપર શિક્ષણમંત્રીએ અમને વચન આપ્યું હતું કે અમે એક મહિનાની અંદર 24,700 શિક્ષકોની ભરતી પૂર્ણ કરીશું. પરંતુ આજ દિન સુધી કોઈ કામગીરી થઈ નથી. મંત્રીઓ ફકત વચન આપે છે પરંતુ પાળતા બિલકુલ નથી. શિક્ષણ મંત્રીને ભરતી પ્રકિર્યામાં કોઈ રસ નથી.વૈક્લિપક વ્યવસ્થામાં જ રસ છે. 2024નું વર્ષ ગયું અને 2025ના વર્ષની શરૂૂઆત થઈ છતાં પણ કાયમી શિક્ષણ ભરતીને લઈને કોઈ પ્રક્રિયા થઈ નથી. સરકાર જો પાલિકા ચૂંટણીમાં તાત્કાલિક તમામ વ્યવસ્થા કરી શકે છે તો ત્રણ-ત્રણ વર્ષથી શિક્ષકોની ભરતી કેમ કરતી નથી. 60,000 ઉમેદવારો પરીક્ષા પાસ કરીને ભરતીની રાહ જોતા બેઠા છે. અમારી સરકારને માંગ છે કે સરકાર ઉનાળાનું વેકેશન પતે તે પહેલા શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરે. જો સરકાર શિક્ષકોની ભરતી બહાર નહીં પાડે તો 24 તારીખે અમે આંદોલન છેડીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *