ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં આવેલા પૂર અને ભૂસ્ખલનને કારણે સર્જાયેલી તબાહી બાદ હિમાલયની સંવેદનશીલ ઇકોસિસ્ટમની સુરક્ષા પર સવાલો ઊભા થયા છે. જેને લઈને, દેશના 57 અગ્રણી નાગરિકો, જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. મુરલી મનોહર જોશી, વરિષ્ઠ કોંગ્રેસી નેતા ડો.કરણ સિંહ, ઈતિહાસકાર રામચંદ્ર ગુહા અને પર્યાવરણવિદ શેખર પાઠકનો સમાવેશ થાય છે, તેમણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે.
અરજદારોએ સુપ્રીમ કોર્ટને બે મુખ્ય માંગણીઓ કરી છે એ મુજબ 14 ડિસેમ્બર 2021ના નિર્ણયને પાછો ખેંચવામાં આવે, જેમાં માર્ગ અને પરિવહન મંત્રાલયના 2020ના પરિપત્રને માન્યતા આપવામાં આવી હતી.
2020ના પરિપત્રને રદ કરીને 2018ની નીતિ ફરીથી સ્થાપિત કરવામાં આવે, જેમાં 5 મીટર પહોળા ઇન્ટરમીડિયેટ રોડની ભલામણ કરવામાં આવી હતી.
અરજદારોએ ચેતવણી આપી છે કે, ગંગા-હિમાલય બેસિન 60 કરોડ લોકોનું જીવન આધાર છે. જો હિમાલયનો નાશ થશે તો આખા દેશ પર અસર થશે. તેમણે બંધારણના અનુચ્છેદ 51-એ(જી)ને ટાંકીને કોર્ટને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે.
