રાજકોટમાં પ્રદૂષણ સંબંધિત હેલ્થ કલેઇમમાં ત્રણ વર્ષમાં 511%નો વધારો

વાયુ પ્રદૂષણ હવે માત્ર પર્યાવરણ કે શ્વસન સંબંધી બીમારીઓ પૂરતી મર્યાદિત સમસ્યા રહી નથી, પરંતુ તે સામાન્ય નાગરિકો માટે એક મોટો આર્થિક બોજ બનીને સામે…

વાયુ પ્રદૂષણ હવે માત્ર પર્યાવરણ કે શ્વસન સંબંધી બીમારીઓ પૂરતી મર્યાદિત સમસ્યા રહી નથી, પરંતુ તે સામાન્ય નાગરિકો માટે એક મોટો આર્થિક બોજ બનીને સામે આવી રહ્યું છે. પોલિસીબજાર દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ મુજબ, ગુજરાતના છ મુખ્ય શહેરોમાં છેલ્લા ત્રણ વર્ષમાં વાયુ પ્રદૂષણ સંબંધિત હેલ્થ ઈન્સ્યોરન્સ ક્લેમમાં 3.7 ગણો વધારો નોંધાયો છે. નાણાકીય વર્ષ 2023માં ગુજરાતમાં પ્રદૂષણ સંબંધિત બીમારીઓના કુલ 408 ક્લેમ નોંધાયા હતા, જે નાણાકીય વર્ષ 2026માં વધીને 1,505 સુધી પહોંચી ગયા છે. રાજકોટમાં પ્રદૂષણ સંબંધિત હેલ્થ કલેઇમમાં ત્રણ વર્ષમાં 511% વધારો નોંધાયો છે.

શહેરવાર આંકડાઓ પર નજર કરીએ તો, રાજ્યમાં સૌથી વધુ 561 ક્લેમ અમદાવાદમાં નોંધાયા છે, ત્યારબાદ વડોદરામાં 375 અને સુરતમાં 367 ક્લેમ નોંધાયા છે. જોકે, ટકાવારીની દ્રષ્ટિએ સૌથી ચોંકાવનારો ઉછાળો વલસાડમાં જોવા મળ્યો છે, જ્યાં ક્લેમની સંખ્યા 6થી વધીને 62 એટલે કે 10 ગણા કરતાં પણ વધુ થઈ ગઈ છે. ગુજરાતમાં 4,000 અને સમગ્ર ભારતમાં 94,000 સેમ્પલ સાઈઝ પર કરાયેલા આ અભ્યાસ મુજબ, કુલ ક્લેમમાં 38 ટકા હિસ્સો શ્વસન સંબંધી ચેપ (રેસ્પિરેટરી ઈન્ફેક્શન) અને 32 ટકા હિસ્સો હૃદય સંબંધી બીમારીઓ (કાર્ડિયોવાસ્ક્યુલર કન્ડિશન્સ) નો છે. આ ઉપરાંત, ન્યુમોનિયાના 17 ટકા અને બ્રોન્કાઈટિસના 11 ટકા ક્લેમ નોંધાયા છે.

આમ, દર 10માંથી 7 ક્લેમ માત્ર શ્વસન અને હૃદયની બીમારીઓના જ છે. પોલિસી બજારના હેલ્થ ઈન્સ્યોરન્સ વિભાગના વડા સિદ્ધાર્થ સિંઘલે જણાવ્યું હતું કે, આ ક્લેમમાં ચોક્કસ મોસમી પેટર્ન જોવા મળી રહી છે, જેમાં 55થી 60 ટકા ક્લેમ ઓક્ટોબરથી માર્ચ મહિના દરમિયાન નોંધાય છે, જ્યારે હવાની ગુણવત્તા સૌથી વધુ ખરાબ હોય છે. સારવારના ખર્ચમાં તેટલા પ્રમાણમાં વધારો થયો નથી, પરંતુ ક્લેમની સંખ્યામાં થયેલો તીવ્ર વધારો કુલ બોજ વધારી રહ્યો છે. આ સંકટની સૌથી વધુ અસર કામકાજી વયના લોકો પર પડી રહી છે, જેમાં 31થી 55 વર્ષની વયજૂથના લોકોનો હિસ્સો 67 ટકા છે, જ્યારે 55 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોનો હિસ્સો 23 ટકા છે. 21થી 30 વર્ષના યુવાનોમાં 8 ટકા અને 20 વર્ષથી નીચેના બાળકો-કિશોરોમાં 3 ટકા ક્લેમ નોંધાયા છે. અમદાવાદમાં ગુરુવારે સવારે 8.30 વાગ્યે એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 215 નોંધાયો હતો, જે હવાની નબળી ગુણવત્તા દર્શાવે છે.

શહેરના પલ્મોનોલોજિસ્ટ ડો. તુષાર પટેલે જણાવ્યું હતું કે, બાંધકામની પ્રવૃત્તિઓ અને વાહનોના વધતા પ્રદૂષણને કારણે હવામાં PM2.5 અને PM10 જેવા સૂક્ષ્મ રજકણોનું પ્રમાણ વધ્યું છે, જેના લીધે ઉધરસ, શરદી અને શ્વાસ લેવામાં તકલીફના દર્દીઓ વધી રહ્યા છે. ખાસ કરીને ધૂમ્રપાન ન કરતા લોકોમાં પણ સીઓપીડી (COPD) ના કેસ વધી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે. દિવાળી બાદ ફટાકડાના ધુમાડાથી પ્રદૂષણનું સ્તર વધુ વણસ્યું છે અને બાળકોમાં બ્રોન્કાઈટિસ સામાન્ય બનતા તેમને ઈન્હેલર આપવાની ફરજ પડી રહી છે, તેમજ અગાઉ હૃદયરોગનો કોઈ ઈતિહાસ ન ધરાવતા લોકોમાં પણ હૃદયની તકલીફોનું જોખમ વધ્યું છે. આ વધતા જોખમને ધ્યાનમાં રાખીને ભારતના અત્યંત પ્રદૂષિત શહેરોના 48 ટકા ગ્રાહકો હવે વધુ રકમનું હેલ્થ ઈન્સ્યોરન્સ કવરેજ પસંદ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *