મારબલના કારખાનામાંથી 500 કિલો શંકાસ્પદ પનીર ઝડપાયું

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય શાખાની ટીમે મોરબી રોડ વિસ્તારમાં સપાટો બોલાવ્યો હતો. રાજકોટ-3 વિસ્તારમાં, મોરબી રોડ પર પુલ નજીક, સેટેલાઇટ ચોક પાસે અને મારુતિ માર્બલની…

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય શાખાની ટીમે મોરબી રોડ વિસ્તારમાં સપાટો બોલાવ્યો હતો. રાજકોટ-3 વિસ્તારમાં, મોરબી રોડ પર પુલ નજીક, સેટેલાઇટ ચોક પાસે અને મારુતિ માર્બલની બાજુમાં આવેલી ’પ્રકાશભાઈ પ્રવિણભાઈ દસ્તોકા’ ની માલિકીની એક પેઢી પર ઓચિંતો દરોડો પાડવામાં આવ્યો હતો. આ પેઢીમાં પનીરનું મોટા પાયે સંગ્રહ અને વેચાણ થતું હોવાની શંકા હતી. તપાસ કરતા સ્થળ પરથી અંદાજે 500 કિલોગ્રામ જેટલો શંકાસ્પદ ’લૂઝ પનીર’નો તોતિંગ જથ્થો મળી આવ્યો હતો. આ પનીર પ્રાથમિક દૃષ્ટિએ જ અત્યંત શંકાસ્પદ, નકલી અને બિનઆરોગ્યપ્રદ હોવાનું જણાતું હતું. હાઈજિનના કોઈપણ પ્રકારના નિયમોના પાલન વિના આ પનીરનો સંગ્રહ કરવામાં આવ્યો હતો.

લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા ખિલવાડ સમાન આ કાળા કારોબારમાં સૌથી મોટી અને ગંભીર બાબત એ બહાર આવી કે, આટલા મોટા પાયે ડેરી પ્રોડક્ટ (પનીર) નો વ્યાપાર થતો હોવા છતાં, પેઢીના માલિક પાસે કોઈપણ પ્રકારનું માન્ય ફૂડ લાયસન્સ ન હતું! ફૂડ લાયસન્સ વિના જ ગેરકાયદેસર રીતે આ ગોરખધંધો ધમધમી રહ્યો હતો, જે તંત્રની આંખમાં ધૂળ નાખવા સમાન છે.

આરોગ્ય વિભાગની ટીમે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરતા આ તમામ 500 કિલો શંકાસ્પદ લૂઝ પનીરના જથ્થાને સ્થળ પર જ સીઝ કરી લીધો હતો. આ પનીર ખરેખર દૂધમાંથી બનેલું છે કે પછી પામ તેલ, સિન્થેટિક દૂધ કે અન્ય હાનિકારક કેમિકલયુક્ત પદાર્થોમાંથી બનાવવામાં આવ્યું છે, તેની સચોટ ચકાસણી કરવા માટે પનીરના નમૂના (સેમ્પલ) લેવામાં આવ્યા છે. લેબનો રિપોર્ટ આવ્યા બાદ રિપોર્ટના આધારે વધુ કડક કાનૂની કાર્યવાહી અને દંડાત્મક પગલાં લેવામાં આવશે.

આ ગંભીર બેદરકારી બદલ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા પેઢીના માલિક પ્રકાશભાઈ પ્રવિણભાઈ દસ્તોકા સામે લાલ આંખ કરવામાં આવી છે. ફૂડ લાયસન્સ ન ધરાવવા અને શંકાસ્પદ જથ્થો રાખવા બદલ પેઢીને રૂૂ. 10,000 નો આકરો દંડ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવી છે. દંડ વસૂલવાની સાથે સાથે, આરોગ્યને જોખમમાં મૂકતી આ પેઢીને તાત્કાલિક અસરથી તાળા મારીને ’સીલ’ કરી દેવામાં આવી છે. વધુમાં, માલિકને કાયદાકીય જોગવાઈ મુજબ ’ઈમ્પ્રુવમેન્ટ નોટિસ’ (સુધારણા નોટિસ) પણ પાઠવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *