આજે આસામમાં જોરહાટના રૌરિયા ઇન્ડિયન એરબેઝ પર મોટી દુર્ઘટના બની છે. સવારે લેન્ડિંગ દરમિયાન વાયુસેનાનું વિમાન ક્રેશ થતાં પાયલટ સહિત 5 જવાનો શહીદ થયા.આ ઘટનામાં કો-પાયલટ જીવિત બચ્યા છે, જેમને હાલમાં સારવાર આપવામાં આવી રહી છે. વાયુસેનાએ દુર્ઘટનાનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ આપ્યો છે.
આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે વિમાન એરબેઝ પર ઉતરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. દુર્ઘટના બાદ તેમાં આગ લાગી ગઈ અને તે બે ટુકડામાં તૂટી ગયું. આ AN-32 કાર્ગો વિમાન હતું, જેનો ઉપયોગ સૈનિકો અને સામાનની હેરફેર માટે કરવામાં આવે છે. દુર્ઘટનાનું કારણ સામે આવ્યું નથી.
ઇન્ડિયન એરફોર્સે જણાવ્યું કે વિમાન રૂટિન ઉડાન પર હતું. સાથે જ અપીલ કરી કે શરૂઆતી પરિણામો ન આવે ત્યાં સુધી કોઈ અનુમાન ન લગાવે. કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ આપી દેવામાં આવ્યા છે.
આ ઘટનામાં સ્ક્વોડ્રન લીડર પ્રશાંત સિંહ, ફ્લાઇટ લેફ્ટનન્ટ શુભમ કુમાર, સાર્જન્ટ જિતેન્દ્ર શર્મા, અગ્નિવીરવાયુ ખેમારામ કુમાવત, અગ્નિવીરવાયુ દાનિશ આલમ શહીદ થયાં છે.
વાયુસેનાએ શહીદ જવાનોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે આ દુઃખની ઘડીમાં વાયુસેના પરિવાર શહીદોના પરિવારોની સાથે મક્કમતાથી ઊભો છે.
