છેલ્લા ઘણા લાંબા સમયથી દેશમાં પ્રસારીત વિવિધ ઓટીટી પ્લેટફોર્મમાં પીરસવામાં આવતી નાટયાત્મક શ્રેણીઓ અને સોપ ઓપેરા કક્ષાના કાર્યક્રમોમાં અપશબ્દો અને અશ્ર્લીલતા એટલા બધા છલકાતા હતા કે દેશભરના મીડીયામાં એની ઘોર નિંદા અને કેન્દ્ર સરકાર દ્વારા આવા પ્લેટફોર્મ તરફની ઉદાસીની ટીકા થતી હતી જેના પ્રત્યાઘાત રૂપે ગઇકાલે મધરાતે કેન્દ્ર સરકારે અતિશય લોકપ્રિય અને ઉંચા ટીઆરપી સ્કોર ધરાવતા પાંચ ઓટીટી પ્લેટફોર્મ પર કડક પ્રતિબંધ મુકી દીધો છે.
કેન્દ્ર સરકારે અશ્ર્લીલ અને વાંધાજનક સામગ્રી (ક્ધટેન્ટ) પીરસતા ડિજિટલ પ્લેટફોર્મ્સ વિરુદ્ધ લાલ આંખ કરી છે. ગઇકાલે એક મોટી કાર્યવાહી કરતા સરકારે પાંચ જાણીતા OTT પ્લેટફોર્મ્સને બ્લોક કરી દીધા છે.
કેન્દ્ર સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયે અશ્ર્લીલ અને અભદ્ર ક્ધટેન્ટ પ્રસારિત કરવા બદલ પાંચ OTT પ્લેટફોર્મ્સને તાત્કાલિક અસરથી બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. આ કાર્યવાહી સૂચના ટેકનોલોજી (IT) અધિનિયમ, 2000 ની કલમ 69અ હેઠળ કરવામાં આવી છે. આ કલમ સરકારને રાષ્ટ્રીય હિત અને જાહેર નૈતિકતાના આધારે ઓનલાઈન ક્ધટેન્ટ બ્લોક કરવાની સત્તા આપે છે.
સરકારે જે પાંચ OTT પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મૂક્યો છે તેમાં નીચે મુજબના નામો સામેલ છે: 1. મૂડએક્સવીઆઈપી (MoodXVIP) 2. કોયલ પ્લેપ્રો(Koyal PlayPro), 3. ડીજી મૂવીપ્લેક્સ (Digi Movieplex), 4. ફીલ (Feel), 5. જુગનુ (Jugnu)
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પ્લેટફોર્મ્સ પર પીરસવામાં આવતું ક્ધટેન્ટ જાહેર શાલીનતા અને નૈતિકતાના ધોરણોનું ઉલ્લંઘન કરતું હતું. સરકાર દ્વારા ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ (ISPs) ને આ પ્લેટફોર્મ્સની એક્સેસ બંધ કરવા માટે નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. ડિજિટલ પ્લેટફોર્મ્સ પર નૈતિક પત્રકારત્વ અને સામાજિક મૂલ્યો જળવાઈ રહે તે હેતુથી આ કડક પગલું ભરવામાં આવ્યું છે.
