ગાંધીનગર સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ દ્વારા કરાર આધારિત કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તા. 18 ફેબ્રુઆરીના આદેશ અનુસાર સમગ્ર શિક્ષા હેઠળ જિલ્લા પ્રોજેક્ટ કચેરી, બ્લોક કચેરી તેમજ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયોમાં કાર્યરત કરાર આધારિત તમામ કર્મચારીઓના મહેનતાણામાં 1 જાન્યુઆરી 2026થી 5% મોંઘવારી ભથ્થાનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે.
આ નિર્ણય રાજ્ય સ્તરે મળેલી મંજૂરીના આધારે લેવાયો છે. આ વધારાનો લાભ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર, આસિસ્ટન્ટ, ડેટા એન્ટ્રી ઓપરેટર, એકાઉન્ટન્ટ, ક્ધયાશાળા અને કેજીબીવીમાં કાર્યરત સ્ટાફ સહિતના વિવિધ પદો પર ફરજ બજાવતા કર્મચારીઓને મળશે. આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, મહેનતાણામાં વધારો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે અને બાકી રહેલા માસોની રકમ પણ ચૂકવવામાં આવશે. વધારાની રકમ જિલ્લા કક્ષાએથી ગણતરી કરીને નિયમ મુજબ ચૂકવવાની રહેશે.
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને કરાર આધારિત કર્મચારીઓને રાહત મળે તે હેતુસર આ નિર્ણય લેવાયો છે. લાંબા સમયથી કર્મચારીઓ દ્વારા મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની માંગ ઉઠાવવામાં આવી રહી હતી, જેને પગલે રાજ્ય સરકારે આ મુદ્દે સકારાત્મક વલણ દાખવ્યું છે. આ નિર્ણયથી સમગ્ર શિક્ષા હેઠળ કાર્યરત હજારો કર્મચારીઓમાં ખુશીની લાગણી વ્યાપી છે. કર્મચારીઓએ સરકારના આ પગલાને આવકાર આપ્યો છે અને જણાવ્યું છે કે આ વધારાથી તેમની આર્થિક પરિસ્થિતિમાં થોડી રાહત મળશે.
