આવતીકાલે રજૂ થનારા નવા બિલ સામે દેશભરમાં હડતાળનું એલાન; મલ્ટિલાઇસન્સિંગ-ફરજિયાત સ્માર્ટ મીટર-જૂની પેન્શન યોજના સહિતના મુદ્દે કાલે સુત્રોચ્ચાર કરાશે
કેન્દ્ર સરકાર દ્વારા વીજળી ને ખાનગી એકમોને હસ્તકરણ તેમજ ઈલેકટ્રીસીટી (એમેન્ડમેન્ટ) બીલ 2025 તથા પ્રસ્તાવિત નેશનલ ઇલેક્ટ્રીસીટી પોલીસી 2026 તારીખ 12-02-2026 ના રોજ સંસદમાં રજુ થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને AIPEF ના અધ્યક્ષ શૈલેન્દ્ર દુબેએ જણાવ્યું હતું કે પ્રસ્તાવિત હડતાળ ભારતના જાહેર વીજ ક્ષેત્રને તોડી પાડવાની ધમકી આપતી નીતિઓ સામે લાખો વીજ કર્મચારીઓ અને ઇજનેરોમાં રોષ ફેલાયો છે.
AIPEF એ કેન્દ્ર સરકારના આક્રમક ખાનગીકરણ તરફના દબાણનો સખત વિરોધ કર્યો છે, જેમાં વિતરણમાં મલ્ટિ લાયસન્સિંગ, ફરજિયાત સ્માર્ટ મીટરિંગ, ટ્રાન્સમિશનમાં PPP અને TBCB મોડેલ્સ, કામગીરીનું આઉટસોર્સિંગ અને નોકરીઓનું કરારીકરણનો સમાવેશ થાય છે. ફેડરેશને ચંદીગઢમાં નિષ્ફળ ખાનગીકરણ પ્રયોગ પર પ્રકાશ પાડ્યો હતો અને ઉત્તર પ્રદેશ (PVVNL અને DVVNL), રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાં સમાન પગલાં સામે ચેતવણી આપી હતી.
ફેડરેશન દ્વારા સરકાર સમક્ષ નીચેની મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી છે. જેમાં વીજળી (સુધારા) બિલ, 2025 તાત્કાલિક પાછું ખેંચવું. શાંતિ અધિનિયમ, 2025 પાછો ખેંચવો, રાષ્ટ્રીય વીજળી નીતિ, 2026 પાછી ખેંચી લેવી, ઉત્તર પ્રદેશમાં PVVNL અને DVVNL માટે ખાનગીકરણના નિર્ણયો તાત્કાલિક પાછા ખેંચવા, સ્માર્ટ મીટરિંગ પાછું ખેંચવા માંગ કરાઇ છે. નોકરીઓનું કરારીકરણ બંધ કરો અને કરાર આધારિત કર્મચારીઓને નિયમિત કરો, સલામતી અને વિશ્વસનીયતાને અસર કરતી મોટી ખાલી જગ્યાઓ ભરવા માટે ઇજનેરો અને કર્મચારીઓની તાત્કાલિક ભરતી અને વીજ ક્ષેત્રના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના (OPS) પુન:સ્થાપિત કરવાની માંગ કરાઇ છે.
આ બાબતની માંગણી સાથેની નોટીસ કેન્દ્રીય ઊર્જામંત્રીને છેલ્લા 10 દિવસથી પાઠવેલી હોવા છતાં ફેડરેશન સાથે કોઈ ચર્ચા વિચારણા કરવામાં પહેલ કરેલ ન હોય, તેને ધ્યાનમાં રાખીને AIPEF દ્વારા તારીખ 12-02-2026ના રોજ દેશભરના વીજ કર્મચારીઓ હડતાલમાં જોડાશે. તેવું AIPEF ના અધ્યક્ષ શૈલેન્દ્ર દુબે દ્વારા જણાવવામાં આવેલ અને દેશભરના વીજ સંગઠનો પાસેથી સમર્થનની માંગણી કરેલ.
આ અનુશંધાને ગુજરાતમાંથી GEBEA અને AGVKS (ગુજરાત ઊર્જા સયુંકત સંકલન સમિતિ) દ્વારા આ હડતાલને મોરલ સપોર્ટ જાહેર કરતા AGVKS ના સીનીયર સેક્રેટરી જનરલ બળદેવભાઈ પટેલ અને GEBEAના સેક્રેટરી જનરલ એચ.જી.વધાસીયા દ્વારા જણાવવામાં આવેલ કે, ગુજરાતમાંથી બંને યુનિયનોની સંકલન સમિતિ ના 45000 મેમ્બરો કેન્દ્ર સરકારની વીજળી કંપનીઓનું ખાનગીકરણ તેમજ આઉટ સોર્સિંગની નીતિનો વિરોધ પ્રદર્શિત કરવા માટે તારીખ 12-02-2026 ના રોજ બપોરે ઓફીસ રીશેષ 2:00થી 2:30ના સમયે ગુજરાતભરની તમામ વીજ કંપનીઓની મુખ્ય ઓફિસો પર એકઠા થઈને સરકારની ખાનગીકરણની નીતિનો સુત્રોચારો કરીને વિરોધ પ્રદર્શિત કરશે. સાથે-સાથે એ પણ જણાવેલ છે કે આ હડતાલને કારણે ગુજરાતમાં કોઈપણ જગ્યાએ વીજ ક્ષેત્રે કોઈ અસર પડવા દેશે નહિ તેની ખાતરી આપેલ છે. તેમ AGVKS અને GEBEAના સંયુકત યાદીમાં જણાવેલ છે.
