પ્ર.નગર પોલીસનું સદર બજારમાં ફટાકડા વેચતા વેપારીને ત્યાં ચેકિંગ
દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ફટાકડાના વેચાણ માટે સરકારી નિયમો, લાયસન્સ અને ફાયર સેફટી જેવા સુરક્ષાના ધોરણોનું પાલન બાબતે પ્ર.નગર પોલીસે ચેકિંગ કર્યું હતું. નિયમોનું ઉલ્લંઘન કરી રહેલા 4 વેપારી સામે પોલીસે ગુનો નોંધ્યો હતો.
સદર બઝારમાં લાયસન્સ અને સેફટી વગર ફટાકડાનું ગેરકાયદે વેચાણ થતું હોવાની બાતમીના આધારે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.ડી. મકવાણા સ્ટાફે સદરબજાર વિસ્તારમાં આવેલી દુકાનો અને સ્ટોલ પર અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન લાયસન્સ કે મંજૂરી વગર ફટાકડાનું ધમધમાટ વેચાણ કરતા કુલ ચાર વેપારીઓ ઝપટે ચડ્યા હતા. જેની સામે જાહેરનામા ભંગ બદલનો ગુનો દાખલ કરી કાયદેસરની સખત કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલા આરોપીઓમાં આમરી ઇકરામ મોનીવારા (ઉ.વ. 26, રહે. મહારાજા સોસાયટી, કાલાવડ નાકા બહાર, જામનગર), મુસ્તુફા ઇરફાનભાઈ પાળુ (ઉ.વ. 24, રહે. નેશનલ પાર્ક, મોરકડા, જામનગર), મોઇનુદીન ઇશાભાઈ ધુવાવવાલા (ઉ.વ. 41, રહે. ભાવસર ચકલો, કાલાવડ નાકા બહાર, જામનગર) અને હુશેન અબ્દુલ રજ્જાક નાલબંધ (ઉ.વ. 42, રહે. દરબારગઢ, બર્ધન ચોક, જામનગર) સામે ગુનો નોંધાયો હતો. ચારેય કોઈપણ પ્રકારની સરકારી મંજૂરી કે ફાયર સેફટીના સાધનો વગર ખુલ્લામાં ફટાકડાનું વેચાણ કરી રહ્યા હતા. તહેવારોની મોસમમાં નાગરિકોની સુરક્ષા સર્વોપરી છે અને વહીવટી તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારની ચેકિંગ ઝુંબેશ વધુ કડક બનાવવામાં આવશે તેવી લોકમુખે ચર્ચા થઈ રહી છે.
