મુંબઈ પોલીસે રાજસ્થાનમાં રોહિત શેટ્ટીના જુહુ સ્થિત ઘરે ગોળીબાર કરવાના આરોપી શૂટરની ધરપકડ કરી છે. આ ઘટના બાદ પોલીસે ઘણા રાજ્યોમાં સર્ચ ઓપરેશન શરૂૂ કર્યું છે. શંકાસ્પદ વ્યક્તિ કસ્ટડીમાં છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે, અને ગોળીબાર પાછળના કાવતરાની તપાસ ચાલુ છે. ગોલમાલ અને સિંઘમ ફિલ્મના દિગ્દર્શક તરીકે જાણીતા રોહિત શેટ્ટી જો કે હજુ ચિંતામુકત નથી. આ સાથે જ બિશ્ર્નોઈ ગેન્ગના સભ્યોની સંખ્યા 11 પર પહોંચી છે.
STF યુનિટ બહાદુરગઢે મુંબઈ પોલીસ સાથે સંયુક્ત અભિયાન ચલાવીને ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગ અને ખંડણીના કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ રિતિક યાદવ (રહે. બહાબીજૌલી, આગ્રા), દીપક (રહે. સેક્ટર-45 સાદરપુર, નોઈડા), સની (રહે. બહાબીજૌલી, આગ્રા) અને સોનુ (રહે. બહાબીજૌલી, આગ્રા) તરીકે થઈ છે.
સ્પેશ્યલ ટાસ્ક ફોર્સના પોલીસના જણાવ્યા અનુસાર, આ મામલો DCB CID મુંબઈમાં નોંધાયેલા કેસ નંબર 19/2026 સાથે સંબંધિત છે. જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 109, ખઙઅ ની કલમ 37(1), 37(2) અને આર્મ્સ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓ પાસેથી એક મોબાઈલ ફોન અને બાઇક જપ્ત કરવામાં આવી છે.
તપાસમાં સામે આવ્યું છે કે 31 જાન્યુઆરી 2026 ની રાત્રે આરોપીઓએ કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગના ઈશારે ફિલ્મ નિર્માતાના ઘર પર ખંડણી માટે ફાયરિંગ કર્યું હતું. આ ઘટના બાદ મુંબઈ પોલીસના એન્ટી એક્સટોર્શન સેલે ગુનો નોંધી તપાસ શરૂૂ કરી હતી.
સંયુક્ત ઓપરેશન બાદ ધરપકડ કરાયેલા આરોપીઓને આગળની કાર્યવાહી માટે મુંબઈ પોલીસના એન્ટી એક્સટોર્શન સેલના ઈન્ચાર્જ નિરીક્ષક સુનીલ પવારની ટીમને સોંપવામાં આવ્યા છે. પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે જેથી ગેંગના અન્ય સભ્યો અને આ કાવતરામાં સામેલ અન્ય લોકોની શોધ કરી શકાય.
બહાદુરગઢ STF ના પ્રભારી ઇન્સ્પેક્ટર રાકેશ કુમારે જણાવ્યું હતું કે, આ કાર્યવાહીથી ખંડણી અને ગેંગવોર સાથે જોડાયેલા ગુનાઓ પર લગામ લગાવવામાં મદદ મળશે. પોલીસના જણાવ્યા મુજબ, પકડાયેલા ચારેય આરોપીઓ પર હાલમાં એક-એક કેસ નોંધાયેલ છે. પૂછપરછ દરમિયાન જો અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં તેમની સંડોવણી બહાર આવશે, તો અલગ-અલગ કેસ નોંધવામાં આવશે.
