નવનીત બાલધીયાને ન્યાય આપોના નારા લગાવ્યા, પોલીસે કરેલી અટકાયત
ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો વિવાદ આજે ફરી એકવાર ઉગ્ર બન્યો હતો. નવનીત બાલધીયા પર થયેલા હુમલાના પ્રકરણમાં કોળી સમાજ દ્વારા ન્યાયની માગ કરવામાં આવી રહી છે. ’નવનીતભાઈને ન્યાય આપો’ની પ્રબળ માંગ સાથે કોળી સમાજના ચાર યુવાનોએ બગદાણ આશ્રમ સામે જવલનશીલ પ્રવાહી છાંટયું હતું. જોકે, ઘટનાસ્થળે તૈનાત પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને યુવાનો દિવાસળી ચાંપે તે પહેલાં જ તેમની અટકાયત કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, બગદાણા વિવાદમાં લાંબા સમયથી ન્યાયની રાહ જોઈ રહેલા કોળી સમાજમાં ભારે રોષ અને અસંતોષ પ્રવર્તી રહ્યો છે. આ અસંતોષને વાચા આપવા માટે આજે ચાર યુવાનો એકાએક બગદાણા ધામ ગેટ પાસે એકઠા થયા હતા. તેઓએ ’નવનીતભાઈને ન્યાય આપો, ન્યાય આપો’ ના નારા લગાવવાનું શરૂૂ કર્યું હતું અને પોતાની સાથે લાવેલા જ્વલનશીલ પ્રવાહીનો ઉપયોગ કરીને આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો.
ઘટનાસ્થળે પહેલેથી જ ચુસ્ત બંદોબસ્ત સાથે હાજર પોલીસ કાફલાએ સમયસર પરિસ્થિતિને પારખી લીધી હતી. પોલીસે એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના ચારેય યુવકોને પકડી પાડ્યા હતા અને તેમને તાત્કાલિક અટકાયતમાં લીધા હતા. પરિસ્થિતિ વધુ ન વણસે નહીં એ માટે, અટકાયત કરાયેલા યુવાનોને કોઈ ગુપ્ત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાના અહેવાલ છે. આ ઘટનાને પગલે બગદાણા ધામ અને આસપાસના વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વધુ સઘન બનાવી દેવામાં આવ્યો છે.
આ મામલે કોળી સમાજના આગેવાન અને એડવોકેટ કિશન મેરે પોલીસની કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આજે બગદાણા ખાતે કોળી સમાજના યુવાનો નવનીતભાઈને ન્યાય માટે આત્મવિલોપન કરવાના હતા, ત્યારે પોલીસે તેમની ધરપકડ કરી લીધી. પોલીસતંત્ર દ્વારા અડધી રાત્રે આગેવાનોની ધરપકડ કરવામાં આવે છે, તો પછી આ કેસના સાચા આરોપીઓની ધરપકડ કેમ નથી કરાતી? આજે ભલે તમે ધરપકડ કરી હોય, પણ કોળી સમાજ શાંતિથી જંપવાનો નથી. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડાઈ ચાલુ જ રહેશે.
