ભારે વરસાદથી ત્રસ્ત મહારાષ્ટ્રના અનેક ભાગોમાં ભૂકંપ થતા ગભરાટ ફેલાયો છે. મરાઠવાડા ક્ષેત્રના નાંદેડ, હિંગોલી અને પરભણી જિલ્લામાં ગુરુવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આંચકા બાદ લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. જોકે, અત્યાર સુધી કોઈ નુકસાનના અહેવાલ નથી.
એક અધિકારીએ જણાવ્યું હતું કે ભૂકંપના આંચકા 1:37 AM થી 3:23 AM ની વચ્ચે અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 થી 4.6 સુધી હતી. અહેવાલો દર્શાવે છે કે બે કલાકથી ઓછા સમયમાં લગભગ ચાર વખત ભૂકંપ અનુભવાયા હતા. પ્રારંભિક અહેવાલો અનુસાર, પહેલો આંચકો 1:37 AM ની આસપાસ આવ્યો હતો. સિરલી-પાંગરા શિંદે ગામ નજીક આવેલા ભૂકંપથી લોકો જાગી ગયા હતા, જેના કારણે તેઓ ગભરાટમાં બહાર દોડી ગયા હતા. તેનું કેન્દ્ર સપાટીથી લગભગ 10 કિલોમીટર નીચે હતું.
બીજો આંચકો કાકરધાબા ગામ નજીક 2:15 AM વાગ્યે અનુભવાયો હતો, જેની તીવ્રતા 3.6 હતી. માત્ર બે મિનિટ પછી, 2:17 AM વાગ્યે, ત્રીજો આંચકો અનુભવાયો હતો, ત્યારબાદ 3:23 AM વાગ્યે ચોથો આંચકો અનુભવાયો હતો. આ વર્ષની શરૂૂઆતમાં, એપ્રિલમાં, હિંગોલી વિસ્તારમાં પણ રિક્ટર સ્કેલ પર 4.7 ની તીવ્રતાના ભૂકંપ અનુભવાયા હતા.
દરમિયાન મહારાષ્ટ્રના પિંપરી ચિંચવાડના મોશી વિસ્તારમાં એક મકાન અચાનક ધરાશાયી થયું. કાટમાળ નીચે આશરે 15-16 લોકો ફસાયા છે. રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. NDRF, સેના, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
મહારાષ્ટ્રના મંત્રી ગિરીશ મહાજને સ્થળની મુલાકાત લીધી અને મીડિયા સાથે વાત કરી. તેમણે જણાવ્યું હતું કે, અંદર બીજા 6-7 લોકો હોઈ શકે છે. ચાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે. દિલ્હીના રોહિણીમાં પણ ગઇકાલે ભારે વરસાદ વચ્ચે બાંધકામ હેઠળની એક ઇમારત ધરાશાયી થઈ હતી, જેમાં ત્રણના મોત થયા છે. ચારને બચાવી લેવામાં આવ્યા હતા.
