9000 વૃક્ષારોપણનો સંકલ્પ, 1500 બોટલ રકત એકત્ર અને 3.50 લાખ પ્રસાદ પેકેટ વિતરણ
અન્નકૂટ મહોત્સવમાં હજારો શ્રધ્ધાળુઓ ઘરેથી વાનગીઓ બનાવીને પહોંચ્યા
હું ગમે ત્યાં હોઇશ, રાજકોટનો પ્રેમ મને સદા યાદ રહેશે: હરિપ્રકાશદાસ સ્વામી બન્યા ભાવુક
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આયોજિત સાત દિવસીય ‘શ્રી હનુમાન ચાલીસા યુવા કથા’ એ ભક્તિ અને સેવાનો અનોખો સંગમ સર્જ્યો છે. 27 ડિસેમ્બરથી બે જાન્યુઆરી 2026 સુધી યોજાયેલી કથામાં 31 ડિસેમ્બરના રોજ અચાનક પડેલા કમોસમી વરસાદને કારણે એક દિવસ માટે કથા મોકૂફ રાખવાની ફરજ પડી હતી. પરંતુ ભક્તોના ઉત્સાહમાં કોઈ કમી આવી ન હતી. 1 જાન્યુઆરી 2026ના રોજ અત્યંત દબદબાભેર ’હનુમાન જન્મોત્સવ’ ઉજવવામાં આવ્યો હતો, જેમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો.
કથાના અંતિમ દિવસે ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગની ખાસિયત એ હતી કે હજારો રાજકોટવાસીઓ પોતાના ઘરેથી પ્રેમપૂર્વક બનાવેલી વાનગીઓ લઈને પહોંચ્યા હતા. જેમાં વિવિધ પ્રકારની મીઠાઈઓ, ફ્રૂટ્સ, ડ્રાય ફ્રૂટ્સ અને અનેક પકવાનોનો દાદાને ભોગ ધરાવવામાં આવ્યો હતો. વ્યાસપીઠ પરથી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીએ તેમની આગવી શૈલીમાં હનુમાન ચાલીસાનું રસપાન કરાવતા જણાવ્યું હતું કે, “મેં પહેલા જ દિવસે કહ્યું હતું કે સાળંગપુરવાળા દાદા રાજકોટના મહેમાન બન્યા છે. રાજકોટવાસીઓએ એવી કાઠિયાવાડી મહેમાનગતિ કરી છે કે દાદા અતિ પ્રસન્ન થયા છે. અહીંની જનતાને મહેમાનગતિ કરતા અને કરાવતા બંને ખૂબ સારી રીતે આવડે છે.
વ્યાસપીઠ પરથી અંતિમ આશીર્વચન પાઠવતા શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીએ રાજકોટની જનતાનો આભાર માનતા જણાવ્યું હતું કે, “રાજકોટવાસીઓએ જે ઉમળકો અને પ્રેમ બતાવ્યો છે, તે અભૂતપૂર્વ છે. હું હવે પછી ગમે ત્યાં હોઈશ ત્યા રાજકોટનો આ પ્રેમ મને કાયમી યાદ રહેશે. હરિપ્રકાશદાસજી સ્વામીએ કથા દરમિયાન સેવા હતા ત્રણ થી પણ વધુ સ્વયંસેવકોની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી હોવા છતાં, અદભૂત શિસ્ત અને શાંતિ જળવાઈ રહી હતી. આ બદલ સ્વામીજીએ વ્યાસપીઠ પરથી સ્વયંસેવકો, માતાઓ અને બહેનોની સહનશક્તિ તથા અવિરત સેવાના ભરપેટ વખાણ કર્યા હતા.
ખાસ કરીને શુક્રવારના રોજ ઉજવાયેલા હનુમાન જન્મોત્સવમાં જે પ્રકારે માનવ મહેરામણ ઉમટ્યું હતું, તેણે રાજકોટના ઇતિહાસમાં એક નવું પ્રકરણ આલેખ્યું છે. ’શ્રી હનુમાન ચાલીસા યુવા કથા’માં આસ્થાનો ઘોડાપૂર જોવા મળ્યો હતો.રાજકોટના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત કોઈ કથામાં આટલી મોટી જંગી મેદની એકઠી થઈ હશે છ દિવસ દરમિયાન અંદાજે 4.50 લાખથી વધુ ભાવિકોએ કથાનું શ્રવણ કર્યું હતું. આયોજકો દ્વારા આ ભગીરથ કાર્યમાં 3.50 લાખથી વધુ પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું
આ યુવા કથા માત્ર આધ્યાત્મિક જ નહીં પરંતુ સામાજિક ક્રાંતિનું કેન્દ્ર પણ બની હતી. કથા દરમિયાન 9 હજારથી વધુ વૃક્ષો વાવવાનો દઢ સંકલ્પ લીધો હતો. જ્યારે બ્લડ ડોનેશન કેમ્પમાં 1,500 થી વધુ બોટલ લોહી એકત્ર કરવામાં આવ્યું હતું.
