રાજકોટ શહેરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને મહિલા પોલીસ મથકના 38 પોલીસ કર્મચારીઓની સામુહિક બદલીનો હુકમ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા કરવમાં આવ્યો છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાંથી એકસાથે 23 અને મહિલા પોલીસ મથક માંથી 15ની બદલી કરી અલગ અલગ પોલીસ મથકમાં મૂકવામાં આવ્યા છે. દિવાળી પૂર્વે ક્રાઈમ બ્રાંચ સહિતની મહત્વની બ્રાંચમાં પણ મોટાપાયે ફેરફાર કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
સાયબર ક્રાઈમ માંથી એક સાથે 23 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં 10ને હેડ કવાર્ટરમાં અને અન્ય 13 કર્મચારીની અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે. બદલીઓમાં 12 મહિલા કર્મીનો પણ સમાવેશ થાય છે. રાજકોટ સાઈબર ક્રાઈમનું નવું યુનિટ ઉભું કરવામાં આવ્યું છે.
ત્યારે ગૃહ વિભાગ દ્વારા કરાયેલા પરિપત્ર મુજબ રૂૂ.5 લાખથી વધુના ફ્રોડની તપાસ જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં થશે તેથી નાની રકમના ફ્રોડની તપાસ જે તે પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે અગાઉ રૂૂ.2 લાખથી વધુના ફ્રોડની તપાસ આ પોલીસ સ્ટેશનનો સ્ટાફ કરતો હતો પરંતુ આ પરિપત્રથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં કામનું ભારણ ઘટ્યું હતું જેથી 23 કર્મચારીને પોલીસ સ્ટેશનમાં મૂકી દેવામાં આવ્યા છે. ઉપરાંત મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવત 15 મહિલા પોલીસ કર્મચારીઓની બદલી કરી તમામને અલગ-અલગ પોલીસ મથકમાં મુકવામાં આવ્યા છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા ઘણા લાંબા સમય બાદ એક સાથે 38 પોલીસ કર્મચારીઓની બદલીનો હુકમ કરાયો છે. હવે દિવાળી પૂર્વે મહત્વની બ્રાંચ અને પોલીસ મથકમાં પણ મોટાપાયે ફેરફારો થાય તેવી ચર્ચા પોલીસ બેડામાં થઇ રહી છે.
