253 પ્રોસિક્યુશન કેસ કરીને 6.79 લાખની માંડવાળ ફીની સ્થળ ઉપર જ વસૂલાત
તોલમાપ તંત્ર દ્વારા તા. 02 અને 03 જાન્યુઆરીના રાજ્યના 370 જેટલા સોનાચાંદીના વેપારીઓ તથા જ્વેલરી શો રૂૂમ પર સામૂહિક આકસ્મિક તપાસ ઝુંબેશ હાથ ધરાવામાં આવી હતી. જેમાં તોલમાપ તંત્રના અધિકારીઓ દ્વારા રાજ્યના 25 જિલ્લાઓમાં 253 પ્રોસિક્યુશન કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી કરીને રૂૂ.6,79,000/-જેટલી માંડવાળ ફીની વસૂલાત કરવામાં આવી છે. આ તમામ માંડવાળ ફીની વસૂલાત સ્થળ ઉપર જ E POS-upi-e payment અને ચેકથી વસૂલવામાં આવી છે તેમ, કાનૂની માપવિજ્ઞાન તંત્ર, ગાંધીનગર દ્વારા જણાવાયું છે.
આ તપાસમાં મુખ્યત્વે અમદાવાદમાં સૌથી વધુ 61 એકમોની તપાસ સામે 22 કેસ, ભરૂૂચ-નર્મદામાં 27 એકમોની તપાસ સામે 25 કેસ, જૂનાગઢ-ગીરસોમનાથમાં 21 એકમોની તપાસ સામે 20 કેસ, ભાવનગર/બોટાદમાં 20 એકમોની તપાસ સામે 17 કેસ તથા સુરતમાં 20 એકમોની તપાસ સામે 14 કેસ દાખલ કરવામાં આવ્યા છે. આ સિવાય તપાસમાં ગાંધીનગર, વડોદરા,પાટણ ,છોટાઉદેપુર, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, પોરબંદર, અમરેલી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, મહેસાણા, બનાસકાંઠા-પાલનપુર, સાબરકાંઠા-હિંમતનગર, અરવલ્લી-મોડાસા, રાજકોટ અને મોરબી જિલ્લાનો સમાવેશ થાય છે.
કાનૂની માપવિજ્ઞાન તંત્રના જણાવ્યા મુજબ ઝુંબેશ દરમિયાન રાજ્યના અલગ-અલગ સોનાચાંદીના વેપારીઓ તથા જ્વેલરી શો રૂૂમની આકસ્મિક તપાસણી હાથ ધરતાં નિયત કાયદા હેઠળના અમલીકરણ નિયમ/કલમોના ભંગ બદલ એકમો સામે ગુન્હાઓ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઝુંબેશ દરમિયાન સોનાચાંદીના વેપારીઓ તથા જ્વેલરી શો રૂૂમમાં વપરાતા વજનકાંટાની તપાસ કરતાં ચકાસણી-મુદ્રાંકન સિવાયના વજન-માપ ઉપયોગમાં લેવા, નિયત વજન કરતાં ઓછું વજન આપવું, ફેર ચકાસણી અને મુદ્રાંકન કરાવ્યા સિવાયના વજનમાપ ઉપયોગમાં લેવા, ચોકસાઈ ચકાસવા માટે ચકાસણી અને મુદ્રાંકન થયેલ સિવાયના વજનો રાખવા, ખરાઈ પ્રમાણપત્ર પ્રદર્શિત ન કરવું જેવી વિવિધ ગેરરીતિઓ સામે આવી છે.
