અમેરિકાથી 33 ગુજરાતીઓની વતનવાપસી, સરકાર કોઇ કેસ નહીં કરે

અમદાવાદ એરપોર્ટથી તમામને સીધા ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરાઇ, વિમાનમાંથી ઉતરતા જ પોલીસે કબજો લીધો અમેરિકાથી નિકાલ કરાયેલા ગેરકાયદે ભારતીય વસાહતીઓ ગઇકાલે અમૃતસર આવી પહોંચ્યા બાદ…

અમદાવાદ એરપોર્ટથી તમામને સીધા ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરાઇ, વિમાનમાંથી ઉતરતા જ પોલીસે કબજો લીધો

અમેરિકાથી નિકાલ કરાયેલા ગેરકાયદે ભારતીય વસાહતીઓ ગઇકાલે અમૃતસર આવી પહોંચ્યા બાદ આજે વહેલી સવારે 33 ગુજરાતીઓનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થયુ હતુ. અને આ તમામ ગુજરાતીઓને પોલીસ રક્ષણ હેઠળ સરકારી તંત્ર દ્વારા તેમના ઘર સુધી પહોંચાડવામાં આવ્યા હતા.

રાજય સરકારે અમેરિકામા ગેરકાયદેસર રીતે ઘુસેલા અને ત્યાથી પરત આવેલા ગુજરાતીઓ સામે કોઇપણ પ્રકારની કાનુની કાર્યવાહી નહીં કરવાનો નિર્ણય લીધો હોય આજે સવારે અમૃતસરથી તમામ 33 ગુજરાતીઓને પરત અમદાવાદ લાવી ત્યાથી સીધા તેમના ઘેર પહોંચાડવામાં આવ્યા હતા.

આ માટે સરકાર દ્વારા વાહનોની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. અને પોલીસ સાથે તમામને પોતપોતાને ઘરે પહોંચાડવામાં આવ્યા હતા.

અમેરિકાથી આવેલા 33 ગુજરાતીઓમાં 8 સગીરવયના અને 19 મહિલાઓનો સમાવેશ થાય છે. ગાંધીનગર 12, મહેસાણા 4, અમદાવાદ-વડોદરા-બનાસકાંઠા- આણંદ-ભરૂચ અને વિરમગામના એક-એક વ્યકિતનો સમાવેશ થાય છે. આ તમામને અમેરિકાના ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા અને ત્યાથી દેશનિકાલ કરાયો હતો.
અમૃતસરથી ફલાઇટમાં આજે સવારે આ 33 ગુજરાતીઓને લાવવમાં આવ્યા તે પૂર્વે જ પોલીસે અમદાવાદ એરપોર્ટના અરવાઇવલ ગેઇટ બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો અને કોઇ પણને એરપોર્ટ બહાર મુલાકાત કરવાની મનાઇ કરાઇ હતી.

આ લોકો ગુનેગાર નહીં આપણા ગુજરાતી ભાઇઓ છે: નીતિન પટેલ
અમેરિકામાં ગેરકાયદે રહેતા 33 ગુજરાતીઓના પરત ફરવા અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, આપણા ગુજરાતીઓ અમેરિકા પોતાની રીતે ગયા છે, ત્યા તેઓ શાંતિથી કામ કરે છે. અમેરિકાના કાયદાને માન આપીને કામ કરે છે. પરંતુ અત્યારે તેમને અમેરિકન સરકારે થોડી મંજૂરીઓ નહીં હોવાના કારણે પરત મોકલ્યા છે, તે મારી દ્રષ્ટિએ સહાનુભૂતિથી વિચારવા જેવું છે. મારી બધાને વિનંતી છે આવા લોકો પાછા આવે ત્યારે તેમને કોઈ ગુનેગાર તરીકે નહીં પણ આપણા ગુજરાતીઓ છે, આપણા ભાઈઓ છે, આપણી દીકરીઓ છે, પરદેશમાં કમાવવા ગયા હતા. વધુમાં નીતિન પટેલે જણાવ્યું હતું કે, આખી દુનિયામાં ભારતીય સદીઓથી પહોંચેલા છે. ગુજરાતીઓએ વિદેશમાં વર્ષોથી વસી મહેનત કરી અબજો રૂૂપિયા જે કમાયા તે ભારત કે ગુજરાતમાં પરત મોકલ્યા છે. તેમણે આપણા ગામો અને વિસ્તારોને ખૂબ મદદ કરી છે. એમના કારણે ગુજરાતની પ્રગતિ પણ ઘણી થઈ છે. મારી બધાને વિનંતી છે કે આરોપી તરીકે ન જોવા જોઈએ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *