રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફને લઈને અમેરિકામાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ન્યૂયોર્કના એટર્ની જનરલ લેટિટિયા જેમ્સના નેતૃત્વ હેઠળ 25 રાજ્યોએ ટ્રમ્પ વહીવટીતંત્ર સામે કેસ દાખલ કર્યો છે. અરજદારોનો આરોપ છે કે સરકાર સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાને અવગણીને નવા ટેરિફ લાદી રહી છે, જે ગેરકાયદેસર છે. ગયા મહિને અમેરિકાએ યુરોપિયન યુનિયન સહિત 59 દેશો પર બેવડા આંકડાના ટેરિફ લાગુ કર્યા હતા. ટ્રમ્પ સરકારનું કહેવું છે કે આ દેશો બળજબરીથી મજૂરી દ્વારા બનાવવામાં આવતા માલની આયાત રોકવામાં નિષ્ફળ રહ્યા હોવાથી આ પગલું જરૂૂરી બન્યું હતું.
આ પહેલાં ટ્રમ્પ સરકારે 1977ના ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) હેઠળ અનેક દેશોની આયાત પર ભારે ટેરિફ લાદ્યા હતા. જોકે, આ વર્ષે ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે IEEPA હેઠળ સરકારને આવા ટેરિફ લાદવાનો અધિકાર નથી. આ નિર્ણય બાદ સરકારે આયાતકારો પાસેથી વસૂલવામાં આવેલા કર પરત કરવાની ફરજ પડી હતી. ત્યારબાદ કામચલાઉ 10 ટકા ટેરિફ લાગુ કરવામાં આવ્યો હતો,
જેની સમયમર્યાદા પૂર્ણ થતાં સરકારે ફરી નવો ટેરિફ અમલમાં મૂક્યો છે.
કામચલાઉ ટેરિફ પૂર્ણ થયા બાદ ટ્રમ્પ વહીવટીતંત્રે 1974ના ટ્રેડ એક્ટની કલમ 301 હેઠળ 10થી 12.5 ટકા સુધીનો નવો ટેરિફ લાગુ કર્યો છે. આ કાયદા હેઠળ રાષ્ટ્રપતિને અન્યાયી વેપાર પ્રથાઓ અપનાવતા દેશો સામે ટેરિફ લાદવાની સત્તા મળે છે. નવા નિયમોની અસર એવા દેશો પર પડશે જે અમેરિકાની કુલ આયાતના લગભગ 99 ટકા હિસ્સા માટે જવાબદાર છે.
