ગુજરાત સહિત દેશભરમાં કેન્દ્રીય જાહેર સેવા આયોગ (UPSC) દ્વારા સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. IAS અને IPS બનવાનું સપનું સેવતા લાખો યુવાનો માટે આ પરીક્ષા અત્યંત મહત્વની માનવામાં આવે છે. દેશભરમાંથી અંદાજે 8 લાખથી વધુ ઉમેદવારોએ આ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાંથી ગુજરાત રાજ્યભરમાંથી પણ મોટી સંખ્યામાં એટલે કે 30,000 થી વધુ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.
રાજકોટ શહેરમાં પણ UPSC પરીક્ષાને લઈને ચુસ્ત વ્યવસ્થા જોવા મળી હતી. શહેરમાં આવેલા કુલ 9 પરીક્ષા કેન્દ્રો પર 2,400 થી વધુ ઉમેદવારો નોંધાયા છે, જેઓ રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી અહીં પહોંચ્યા હતા. પરીક્ષામાં પારદર્શિતા જાળવવા માટે તંત્ર દ્વારા એક ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે.
જેમાં કેન્દ્રો પર સીસીટીવીના બદલે ખાસ ’જામર’ લગાડવામાં આવ્યા છે, જેથી પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય. તમામ કેન્દ્રો પર પ્રવેશ આપતા પહેલા ઉમેદવારોનું અત્યંત કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો હતો.
ઉનાળાના આકરા તાપને જોતાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સુરક્ષા માટે પીવાના ઠંડા પાણીની સાથે ORS અને જો કોઈ ઉમેદવારની તબિયત લૂ લાગવાના કારણે બગડે તો તાત્કાલિક સારવાર મળી રહે તેવી ખાસ મેડિકલ ઈમરજન્સી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. શહેરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, આઈ.પી. મિશન, કણસાગરા કોલેજ, જસાણી કોલેજ અને સદગુરુ મહિલા કોલેજ સહિત કુલ 9 જેટલી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાં પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા હતા, જ્યાં તમામ બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં કસોટી સંપન્ન થઈ છે.
