જામનગરમાં જાહેરમાં ન્યૂસન્સ ફેલાવતા 234 આસામીઓને 90 હજારનો દંડ

800થી વધુ કોમર્શિયલ એકમોને ન્યૂસન્સની નોટિસ અપાઈ જામનગર મહાનગરપાલિકાએ શહેરમાં જાહેર આરોગ્ય અને લોકોની સુખાકારી જળવાઈ રહે તે માટે જાહેરમાં ન્યૂસન્સ ફેલાવતા વેપારીઓ અને કોમર્શિયલ…

800થી વધુ કોમર્શિયલ એકમોને ન્યૂસન્સની નોટિસ અપાઈ

જામનગર મહાનગરપાલિકાએ શહેરમાં જાહેર આરોગ્ય અને લોકોની સુખાકારી જળવાઈ રહે તે માટે જાહેરમાં ન્યૂસન્સ ફેલાવતા વેપારીઓ અને કોમર્શિયલ એકમો સામે કડક કાર્યવાહી શરૂૂ કરી છે. મહાનગરપાલિકા કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ શહેરના હોટલ, રેસ્ટોરન્ટ, લારી-રેંકડી તેમજ અન્ય તમામ કોમર્શિયલ એકમોને ન્યૂસન્સ નોટિસ આપવામાં આવી રહી છે.

નોટિસમાં વેપારીઓને પોતાના એકમ પર ફરજિયાત ડસ્ટબિન રાખવા, ગ્રાહકો દ્વારા કચરો ડસ્ટબિનમાં જ નાખવામાં આવે તેની ખાતરી કરવા, ગંદા પાણી કે વેસ્ટ વોટરનો જાહેરમાં નિકાલ ન કરવા, એકમની અંદરનો કચરો માત્ર ડસ્ટબિનમાં જ રાખી મહાનગરપાલિકાની ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન સેવાને જ સોંપવા તેમજ જાહેર સ્થળો, ખુલ્લા પ્લોટ કે અન્ય જગ્યાએ કચરો ન ફેંકવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત ધંધાકીય એકમની આસપાસ સ્વચ્છતા જાળવવાની પણ ફરજ સોંપવામાં આવી છે.

મહાનગરપાલિકા દ્વારા શહેરના 800થી વધુ કોમર્શિયલ એકમોને આવી નોટિસ આપવામાં આવી છે અને આ કામગીરી હજુ પણ ચાલુ છે.મનપાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે નોટિસમાં દર્શાવેલી સૂચનાઓનો ભંગ કરનાર વેપારીઓ સામે પ્રથમ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ત્યારબાદ પણ સુધારો નહીં થાય તો ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન (જીપીએમસી) એક્ટ, 1949ની કલમ 379(ક) હેઠળ ધંધાકીય એકમ બંધ કરાવવા, ક્લોઝડાઉન અથવા સીલિંગ સહિતની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ ગત એક સપ્તાહ દરમિયાન જાહેરમાં ન્યૂસન્સ ફેલાવવાના વિવિધ બનાવોમાં કુલ 234 આસામીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી, અને તેમની પાસેથી કુલ રૂૂ. 90,000નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે.જામનગર મહાનગરપાલિકાએ શહેરના તમામ વેપારીઓ અને કોમર્શિયલ એકમોને જાહેર આરોગ્ય અને સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપવા તેમજ નોટિસમાં દર્શાવેલી તમામ સૂચનાઓનું ચુસ્ત પાલન કરવા અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *