યોજાયેલ લોકઅદાલતમાં 3839 કેસોનો સુખદ નિવેડો : રૂા. 3.30 કરોડના હુકમો થયાં
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા શનિવાર તારીખ 14 ના રોજ વર્ષ 2024 ની અંતિમ લોક અદાલત યોજવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીનું રેકોર્ડ બ્રેક પરીણામ આવ્યું છે. શનિવારની લોક અદાલતમાં 3839 કેસોનો સુખ:દ નિવેડો લાવવામાં આવ્યો છે. જેમાં 3,30,32,530 રકમના હુકમો કરી, કેસો પુરા કરવામાં આવ્યા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની અદાલતોના કુલ પેન્ડીંગ કેસોમાં એક જ દિવસમાં 23.63 ટકાનો નોંધપાત્ર અને રેકર્ડબ્રેક ઘટાડો થયો છે. દેવભૂમિ દ્વારકા અલગ જ્યુડિશિયલ જિલ્લો અસ્તિત્વમાં આવ્યા બાદ આઠ વર્ષનું સર્વ શ્રેષ્ઠ પરિણામ રહ્યું છે.દેવભૂમિ દ્વારકા જિલ્લાના એડમિનિસ્ટ્રેટિવ જસ્ટીસ એચ.એસ. પ્રચ્છકના માર્ગદર્શન અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મેમ્બર સેક્રેટરી આર.એ. ત્રિવેદી તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન શ્રી એસ.વી. વ્યાસની સીધી દેખરેખ હેઠળ શનિવારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલી તમામ અદાલતોમાં આ વર્ષની અંતિમ રાષ્ટ્રીય લોક અદાલત તેમજ સ્પેશીયલ મેજીસ્ટ્રેયીલ સીંટીંગનુ આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં અદાલતમાં ચાલતા હોય તેવા તમામ સમાધાન લાયક સિવિલ તથા ફોજદારી કેસો, ગ્રાહક સેવા તકરારની બાબતો, વિગેરે તમામ કુલ 2934 કેસો કુલ મુકવામાં આવ્યા હતા. જેમાંથી 2171 કેસોનો સમાધાન દ્વારા નિકાલ લાવવામાં આવ્યો. જેના કુલ 2.67 કરોડના હુકમો થયા હતા. આ ઉપરાંત પ્રિ-લીટીગેશન કેસો માટે પ્રિ-લીટીગેશન અદાલતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 3217 કેસો મૂકવામાં આવ્યા હતા. જેમાંથી 1643 કેસોમાં સમાધાન દ્વારા નિકાલ લાવવામાં આવ્યો હતો. જેની કુલ દાવાની રકમ રૂૂ. 63 લાખ જેટલી થઈ હતી. જે કેસો ભવિષ્યમાં તકરાર ઉદ્દભવતા અટકાવી સુખદ સમાધાન લાવવામાં આવ્યું હતું.આ ઉપરાંત ઉજાસ – એક આશા ની કિરણ પ્રિ – લિટીગેશન મેટ્રીમોનિયલ ડીસ્પુટ લોક અદાલત અંતર્ગત 246 કેસો મુકવામાં આવ્યા હતા. જેમાંથી 125 કેસોનો સમાધાન દ્વારા નિકાલ કરવામાં આવ્યો હતો.
