ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટ લિસ્ટ અ ટુર્નામેન્ટ વિજય હજારે ટ્રોફી 2025-26ની શરૂૂઆત 24 ડિસેમ્બરથી ધમાકેદાર થઈ. પહેલા રાઉન્ડની મેચોમાં બેટ્સમેનો બોલર્સ પર જાણે તૂટી પડ્યા હોય એમ, કુલ 22 સદી જોવા મળી. આ ઐતિહાસિક દિવસે સૌથી વધુ ચર્ચામાં ટીમ ઇન્ડિયાના બે દિગ્ગજ રોહિત શર્મા અને વિરાટ કોહલી રહ્યાં. જેણે લાંબા સમય પછી ઘરેલુ વનડે ક્રિકેટ ટીમમાં વાપસી કરતા શાનદાર સદી ફટકારી, પરંતુ એક અજાણ્યો ખેલાડી આ બંને દિગ્ગજોથી આગળ નીકળી ગયો.
રોહિત શર્માએ મુંબઈ માટે સિક્કિમ સામે જયપુરમાં આક્રમક 155 રનની ઇનિંગ રમી, તેની વિસ્ફોટક બેટિંગથી મુંબઈ સરળતાથી જીતી ગયું. જ્યારે વિરાટ કોહલીએ દિલ્હી તરફથી આંધ્ર પ્રદેશ સામે બેંગલુરુમાં 131 રનની ઇનિંગ રમી અને પોતાની ટીમને જીત અપાવી. પરંતુ અસલી તોફાન બિહાર અને ઝારખંડની મેચમાં જોવા મળ્યું. બિહારે અરુણાચલ પ્રદેશ સામે લિસ્ટ એ ક્રિકેટમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવતા 574 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો. તેમાં 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ 36 બોલમાં સદી ફટકારી સૌથી ઓછી ઉંમરે લિસ્ટ અ ક્રિકેટમાં સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો.
આ સિવાય બિહારના કેપ્ટન સકીબુલ ગનીએ 32 બોલમાં સદી ફટકારી જે કોઈ ભારતીય તરફથી લિસ્ટ અમાં સૌથી ઝડપી સદી છે. આ ઉપરાંત આયુષ લોહારુકાએ પણ 116 રનની ઇનિંગ રમી.
બીજી બાજુ, ઝારખંડના ઈશાન કિશને પણ કમાલની બેટિંગ કરી અને કર્ણાટક સામે માત્ર 33 બોલમાં સદી ફટકારી બીજો સૌથી ઝડપી સદીનો રેકોર્ડ બનાવી દીધો. આ ત્રણેયની ઇનિંગે એક જ દિવસમાં ભારતીય લિસ્ટ અ ક્રિકેટના ત્રણ સૌથી ઝડપી સદીના રેકોર્ડ તોડી નાખ્યા. ઈશાન કિશનની ઇનિંગના જવાબમાં દેવદત્ત પડિક્કલે પણ કર્ણાટકી ટીમ માટે 147 રનની યાદગાર ઇનિંગ રમી અને ટીમને મેચ પણ જીતાડી.
પરંતુ ઓરિસ્સાના સ્વાસ્તિક સામલે એક અલગ જ કીર્તિમાન બનાવી દીધો. આ ખેલાડીએ સૌરાષ્ટ્ર સામે બેવડી સદી ફટકારી દીધી. સ્વાસ્તિક સામલે 169 બોલમાં 212 રનની ઐતિહાસિક ઇનિંગ રમી. જેમાં 21 ચોગ્ગા અને 8 છગ્ગા સામેલ હતા. ત્યાર બાદ ઓડિશાએ 50 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 345 રન બનાવ્યાં. પરંતુ સૌરાષ્ટ્રની ટીમે ટાર્ગેટ ચેઝ કરીને સ્વાસ્તિક સામલની ઇનિંગ પર પાણી ફેરવી દીધું. વિજય હજારે ટ્રોફી 2025-25ના પહેલા દિવસે અર્પિત ભેટવરા, રિકી ભુઈ, યશ દુબે, સમ્મર ગજ્જર, સ્નેહલ કૌથંકર, શુભમ ખજુરિયા, કિશન લિંગદોહ, અમન મોખરે, હિમાંશુ રાણા, રવિ સિંહ, વિપ્લવ સામંત્રે, ધ્રુવ શૌરી, ફિરોઝમ જોતિન અને વિષ્ણુ વિનોદે પણ સદી ફટકારી.
