રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે જન્માષ્ટમી અને દિવાળીના તહેવારોમાં અંદાજિત 1,50,000 મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. નિયમીત રીતે ઝૂ દર સોમવારનાં રોજ મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવે છે.
ચાલુ વર્ષે મકરસંક્રાંતિનાં તહેવાર દરમિયાન મુલાકાતીઓની સવિશેષ હાજરી નોંધાયેલ છે. તા.14-01-2025નાં રોજ 14,810 અને તા.15-01-25નાં રોજ 6,024 એમ બે દિવસમાં કુલ-20,834 મુલાકાતીઓએ પાર્કની મુલાકાત લીધેલ છે જેથી રાજકોટ મહાનગરપાલિકાને કુલ બે દિવસમાં કુલ રૂૂા.4,51,150/-ની આવક થયેલ છે. તમામ મુલાકાતીઓ ગુલાબી ઠંડીની મજા માણવા સાથે કુદરતી પર્યાવરણ ધરાવતા પાંજરાઓમાં રાખવામાં આવેલ વન્યપ્રાણીઓને નિહાળી રોમાંચિત થયેલ છે તેમ, મેયર નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા અને બાગ બગીચા અને ઝૂ સમિતિનાં ચેરમેન સોનલબેન સેલારાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું. હાલ રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી 65 પ્રજાતિઓનાં કુલ 558 વન્યપ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવે છે. જેમાં ખાસ આકર્ષણ ધરાવતા એશિયાઇ સિંહ, સફેદ વાઘ, રોયલ બેંગાલ ટાઇગર, દિપડા, હિમાલયનાં રીંછ, સ્લોથ રીંછ, જળ બિલાડી, ચાર પ્રકારનાં શ્વાનકુળનાં પ્રાણીઓ, ચાર પ્રકારનાં વાંદરાઓ, વિવિધ પ્રજાતીઓનાં સાપ, બે પ્રકારની મગર, જુદી જુદી પ્રજાતીઓનાં હરણો તથા વિવિધ પ્રજાતિનાં પક્ષીઓ વિગેરેઓને આધુનીક પાંજરાઓ બનાવી મુલાકાતીઓ માટે પ્રદર્શીત કરી વન્યપ્રાણી-પક્ષીઓનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવે છે.