સોલિડ વેસ્ટ વિભાગના ડ્રાઇવરોને અપાયેલ મુદ્ત પૂર્ણ થવા છતાં પગાર ન મળતા બીજી વખત હડતાલ પર ઉતર્યા
કોન્ટ્રાક્ટ બેઇઝના ફાયર વિભાગના ડ્રાઇવરોએ હડતાલ પાડતા ઇમરજન્સી સેવા ખોરવાવાનો ભય, પગાર વધારો અને ઇએસઆઇ કાર્ડની માંગ સાથે મહેશ રાજપૂતની આગેવાનીમાં રજૂઆત
મહાનગર પાલિકા દ્વારા તહેવારોની ઉજવણી કરવા અનેક કાર્યક્રમો માટેની તૈયારીઓ આરંભી છે. ત્યારે જ બે દિવસ પહેલા પગાર મુદ્દે હડતાળ ઉપર ઉતરેલા સોલીડ વેસ્ટના વિભાગના ડ્રાઇવરોને આપવામાં આવેલ મુદ્દત પૂર્ણ થવા છતાં પગાર ન મળતાં સવારથી કામનો બિહષ્કાર કરી હડતાળ ઉપર ઉતરી ગયા હતા. ત્યારે જ ફાયર વિભાગમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ બેઇઝના તમામ 81 ડ્રાઇવરોએ સજ્જડ હડતાળ શરૂ કરતા અધિકારીઓમાં દોડાદોડી થઇ પડી છે. દિવાળી નજીક હોય ફાયર વિભાગ દ્વારા વધારાના ફાયર સ્ટેશનો તેમજ ઇમરજન્સી માટે અલગ અલગ ટીમો તૈયાર કરવામાં આવી છે. તે વાળાએ ડ્રાઇવરો હડતાળ ઉપર ઉતરતા ઇમરજન્સી સેવા ખોરવાવાનો ભય ઉભો થયો છે.
મહાનગરપાલિકાના મોટા ભાગના વિસ્તારોમાં કોન્ટ્રાક્ટ બેઇઝના કર્મચારીઓ સૌથી વધુ ફરજ બજાવી રહ્યા છે. જેમાં સોલીડ વેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા તમામ ડ્રાઇવરોએ પગાર વધારો અને ઇએસઆઇ કાર્ડ મુદ્દેે તંત્રને રજૂઆત કરવા છતાં આજ સુધી નિવેડો આવ્યો ન હતો. ત્યારે તહેવાર ટાણે ચડત અને હાલતનો પગાર ન ચૂકવા ડ્રાઇવરોમાં રોષ વ્યાપી ગયેલ અને સોમવારના રોજ તમામ ડ્રાઇવરો હડતાળ ઉપર ઉતરી જતા તંત્રએ બે દિવસમાં પ્રશ્ર્નનો નિવેડો આવી જેશે તેવી ખાતરી આપી. જેની મુદ્દત ગઇકાલે પૂર્ણ થવા છતાં પગાર ન મળતા આજ સવારથી તમામ ડ્રાઇવરો હડતાળ ઉપર ઉતરી ગયા હતા. તેવી જ રીતે ફાયર વિભાગમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ બેઇઝના 81 ડ્રાઇવરોએ પણ પગાર મુદ્દે હડતાળનું એલાન કરતા દોડાદોડી થઇ પડી હતી. ફાયર વિભાગ ઇમરજન્સીમાં આવતો હોવાથી દરેક વાહનો માટે એક કાયમી અને એક કોન્ટ્રાક્ટ બેઇઝ સહિત બે-બે ડ્રાઇવરો રાખવામાં આવ્યા છે અને દર વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન આગની દુર્ઘટનાઓમાં વધારો થવાથી તમામ સ્ટાફની રજાઓ પણ રદ કરવામાં આવતી હોય છે.
અને 24X7 નોકરીના ઓર્ડર કરવામાં આવતા હોય છે. ત્યારે જ ફાયર વિભાગના તમામ ડ્રાઇવરો હડતાળ ઉપર ઉતરી જતા ઉચ્ચ અધિકારીઓએ મામલો થાળે પાડવાનો પ્રયાસ હાથ ધર્યો છે. મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ શાખા અને ફાયર શાખાના કોન્ટ્રાક્ટ બેઇઝના તમામ 203 ડ્રાઇવરોએ આજે હડતાળનું એલાન આપતા અધિકારીઓએ આ મુદ્દે કોન્ટ્રાક્ટરને નોટીસ આપી હોવાનુે જાણવા મળેલ છે. જયારે ડ્રાઇવરોએ પગાર વધારો તથા બોનસ અને ઇએસઆઇ કાર્ડ મેળવ્યુ જોઇએ તે સહિતની માંગ સાથે આજે સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે મ્યુનિ.કમિશનરને આવેદન પાઠવ્યું હતું.
સરકારની દલાતરવાડી જેવી નીતિ દુર્ઘટના નોતરશે
મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ અને ફાયર વિભાગના 203 કોન્ટ્રાક્ટ બેઇઝ ડ્રાઇવરો આજે પગાર ન મળતા હડતાળ ઉપર ઉતરી ગયા છે. રાજકારણીઓના આર્શીવાદથી કોન્ટ્રાક્ટ ચલાવતા અમૂક કોન્ટ્રાક્ટરો કર્મચારીઓને સમયસર પગાર ન ચૂકવતા હોવાનુ અનેક વખત બહાર આવ્યું છે. હાલ સરકાર દ્વારા કાયમી કર્મચારીઓને એડવાન્સમાં પગાર આપવામાં આવી રહ્યો છે. જયારે બીજી તરફ કર્મચારીઓનું સતત શોષણ કરી પોતાના અને અમૂક અધિકારીઓ અને રાજકારણીઓના ખીસ્સા ભરતા ખાસ કોન્ટ્રાક્ટરો કર્મચારીઓને સમયસર પગાર ન આપી તેમના પરિવારોના તહેવારો બગાડી રહ્યા છે. છતાં સરકારને આ બાબત ધ્યાનમાં આવતી નથી. જેના લીધે તહેવારો ટાણે શહેરમાં મોટી દુર્ઘટના સર્જાવવાનો ભય સેવાઇ રહ્યો છે.
