દ્વારકામાં જન્માષ્ટમી મહોત્સવમાં 2000 જવાનોનો બંદોબસ્ત

જગત મંદિરમાં દર્શન માટે સ્વર્ગદ્વારથી પ્રવેશ, મોક્ષદ્વારથી બહાર નીકળી શકાશે, જૂતા ઘરની વ્યવસ્થા રસ્તાઓ વન-વે જાહેર, નો પાર્કિંગ ઝોન અને પાર્કિંગ વિસ્તાર નક્કી કરાયા, ડ્રોનથી…

જગત મંદિરમાં દર્શન માટે સ્વર્ગદ્વારથી પ્રવેશ, મોક્ષદ્વારથી બહાર નીકળી શકાશે, જૂતા ઘરની વ્યવસ્થા

રસ્તાઓ વન-વે જાહેર, નો પાર્કિંગ ઝોન અને પાર્કિંગ વિસ્તાર નક્કી કરાયા, ડ્રોનથી રખાશે સતત નજર

પવિત્ર યાત્રાધામ દ્વારકામાં કૃષ્ણ જન્માષ્ટમી મહાપર્વને લઈને વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જન્માષ્ટમી નિમિત્તે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકામાં ઉમટવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ભીડ નિયંત્રણ, સુગમ દર્શન અને સુરક્ષા વ્યવસ્થા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
જગતમંદિર ખાતે કીર્તિસ્તંભથી લઈને છપ્પન સીડી સુધી વિવિધ સ્થળોએ ચુસ્ત બેરિકેડિંગ ગોઠવવામાં આવ્યું છે. દર્શન માટે આવતા ભાવિકોને કોઈ અગવડતા ન પડે તે માટે પ્રવેશ અને બહાર નીકળવાની અલગ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવશે. ભક્તોને સ્વર્ગદ્વાર તરફથી ભગવાન દ્વારકાધીશના મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે, જ્યારે દર્શન પૂર્ણ કર્યા બાદ મોક્ષદ્વાર તરફથી બહાર નીકળવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ઉપરાંત કીર્તિસ્તંભ વિસ્તારમાં દર્શનાર્થીઓના જૂતાં-ચપ્પલ માટે જુતા-ઘરની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભીડના સતત પ્રવાહને નિયંત્રિત કરી દર્શન વ્યવસ્થાને સરળ અને સુવ્યવસ્થિત બનાવવા માટે જરૂૂરી તમામ આગોતરા પગલાં લેવામાં આવી રહ્યા છે.

જન્માષ્ટમી પર્વને અનુલક્ષીને દ્વારકા સાથે બેટ દ્વારકા બંને સ્થળોએ પોલીસ દ્વારા લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કુલ અંદાજે 2000 જેટલા પોલીસ જવાનો સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની જવાબદારી સંભાળશે. જે અંગે પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાએ જણાવ્યું હતું કે જગતમંદિરની સુરક્ષા વ્યવસ્થામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ખડે પગે રહેશે. બંદોબસ્તમાં 3 એએસપી, 2 ડીવાયએસપી, 34 પોલીસ ઇન્સ્પેક્ટર અને 76 પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે.
ભીડભાડવાળા વિસ્તારોમાં શંકાસ્પદ ગતિવિધિઓ પર સતત નજર રાખવા માટે ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવશે. ઉપરાંત બોમ્બ સ્ક્વોડ સહિતની ટેક્નિકલ ટીમો પણ સતર્ક રહેશે. સંવેદનશીલ સ્થળો પર ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી કોઈપણ અનિચ્છનીય બનાવને અટકાવવા માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. જન્માષ્ટમીના મહાપર્વ દરમિયાન દ્વારકામાં ઉમટનારા લાખો કૃષ્ણભક્તોને સુરક્ષિત વાતાવરણમાં સરળતાથી દર્શન થઈ શકે અને સમગ્ર પર્વની ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે વહીવટી તથા પોલીસ તંત્ર દ્વારા સંકલિત આયોજન કરવામાં આવ્યું છે.

દ્વારકામાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તા. 7 ઓક્ટેમ્બર સુધી દ્વારકા શહેરના કેટલાક વિસ્તારો ’નો પાર્કિંગ’ તેમજ ’પાર્કિંગ’ ઝોન તરીકે ઉપયોગમાં લેવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં દ્વારકાના પૂર્વ દરવાજાથી જોધાભા માણેક ચોક અને પૂર્વ દરવાજાથી ભથાણ ચોક સુધી 50 મીટર ત્રિજ્યા, ત્રણબતી ચોકથી મહાજન બજાર ચાર રસ્તા, ત્રણબતી ચોકથી ભદ્રકાલી રોડ સુધી 50 મીટર ત્રિજ્યા, હોમગાર્ડ ચોકથી ત્રણબતી ચોક અને હોમગાર્ડ ચોકથી શાક માર્કેટ સુધી 50 મીટર ત્રિજ્યા, શાકમાર્કેટ ચોકની આજુબાજુના વિસ્તાર 50 મીટર ત્રિજયામાં તેમજ એસટી ડેપોના આજુબાજુના વિસ્તાર 100 મીટર ત્રિજ્યા, જોધાભા માણેક ચોકથી શિવરાજસિંહ રોડ ઇસ્કોન ગેઈટ સુધી 100 મીટર ત્રિજ્યા, મંદિર ચોક આસપાસનો વિસ્તાર સુધી 100 મીટર ત્રિજ્યા, નીલકંઠ ચોક આસપાસનો વિસ્તાર સુધી 100 ળશફિિં ત્રિજ્યા, સરકારી હોળી ચોક આસપાસનો વિસ્તાર સુધી 100 મીટર ત્રિજ્યા, મહાજન બજાર ચાર રસ્તા આસપાસનો વિસ્તાર સુધી 100 મીટર ત્રિજ્યા અને કીર્તિસ્તંભ,સુદામા ચોક, ભથાણ ચોક, મટુકી ચોક તેમજ ભદ્રકાલી ચોક આજુબાજુના વિસ્તારના 200 મીટર ત્રિજ્યામાં “નો પાર્કિંગ ઝોન” તરીકે નિયત કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત વિવિધ પાર્કિંગ ઝોન પણ જાહેર કરાયા છે, જે મુજબ હાથી ગેટ પાર્કિંગ વ્યવસ્થા, સર્કિટ હાઉસ પાછળનું મેદાન, શારદાપીઠ કોલેજનું ખુલ્લુ મેદાન એસટી રોડ, રાજપુત સમાજ સામે ગોમતીઘાટ ખુલ્લુ મેદાન, સ્વામિનારાયણ મંદિર ગ્રાઉન્ડ પાછળનું મેદાન, રાવળા તળાવ ગ્રાઉન્ડ ઇસ્કોન ગેટની બાજુમાં, અલખ હોટલની બાજુમાં હાથી ગેટની સામે તથા હાથી ગેટની સામે (પૂર્વ તરફ) આવેલ પાર્કિંગ ગ્રાઉન્ડમાં ફોર વ્હીલ, થ્રી વ્હીલ તથા હેવી વાહનો માટે પાર્કિંગ વિસ્તાર રહેશે.

દ્વારકા શહેરમાં ટ્રાફીક વ્યવસ્થા માટે તા. 6 સપ્ટેમ્બર રાત્રિના 10 વાગ્યા સુધી નીચે જણાવેલ રસ્તાઓ પર તમામ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકતા જાહેરનામાની વિગત મુજબ હાથી ગેટથી કિર્તી સ્તંભ, કિર્તી સ્તંભથી દ્વારકાધીશ મંદીર તરફ, કાનદાસ બાપુ આશ્રમથી ભથાણ ચોક – કીર્તિસ્તંભ – દ્વારકાધીશ મંદીર તરફ, મહાજન બજારથી બ્રહ્મ કુંડ, બ્રહ્મ કુંડથી સરકારી હોળી ચોક, સરકારી હોળી ચોકથી દ્વારકાધીશ મંદીર તરફ, બ્રહ્મ કુંડથી દ્વારકાધીશ મંદિર તરફ, જોધાભા માણેક ચોકથી દ્વારકાધીશ મંદીર પૂર્વ દરવાજા તરફ, ભથાણ ચોકથી દ્વારકાધીશ મંદીર પૂર્વ દરવાજા તરફ તમામ ટુ વ્હીલ, થ્રી વ્હીલ, ફોર વ્હીલ અને ભારે વાહનોનો પ્રવેશ પ્રતિબંધિત કરાયો છે.

જ્યારે ધીંગેશ્વર મંદીરની સામેની શેરી દ્વારકાધીશ મંદીર તરફ, શાક માર્કેટ ચોકથી મહાજન બજાર, નિલકંઠ ચોક, દ્વારકાધીશ મંદીર તરફ આવા વાહનોનો પ્રવેશ પ્રતિબંધિત રહેશે. ઇસ્કોન ગેઈટથી ભથાણ ચોક, જોધાભા માણેક ચોક, દ્વારકાધીશ મંદીર તરફ, પોસ્ટ ઓફિસ ચાર રસ્તાથી ભદ્રકાલી ચોક તરફ જતા રસ્તે, રબારી ગેટ ચાર રસ્તાથી ભદ્રકાલી ચોક તરફ જતા રસ્તે, હોસ્પિટલ ચાર રસ્તાથી મટુકી ચોક – ભદ્રકાલી ચોક તરફ જતા રસ્તે, સર્કિટ હાઉસ ચાર રસ્તાથી મટુકી ચોક – ભદ્રકાલી ચોક તરફ તથા પ્રિતમ વ્યાયામ તરફ જતા રસ્તે, બસ અને ભારે વાહનો તમામના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પરવાનગી અપાયેલ વાહનો તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી સાથે સંકળાયેલ સરકારી વાહનોને આ જાહેરનામું લાગુ પડશે નહિં.

સુદર્શન સેતુ વિસ્તારમાં ભારે વાહનો, ખાનગી બસો પર પ્રતિબંધ
ઓખા નજીકના સુદર્શન સેતુના ઓખા તરફ આવેલા છેડેથી દ્વારકાધીશ મંદીર બેટ સુધી ભારે વાહન, ટ્રક તથા ખાનગી બસોના પ્રવેશ પર તા. 7 ના રોજ રાત્રિના 8 વાગ્યા સુધી પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.જન્માષ્ટમીને અનુલક્ષીને દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા નીચે જણાવેલા રસ્તાઓને રવિવાર તા. 6 સુધી વન-વે જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. જે મુજબ જોધાભા ચોકથી પૂર્વ દરવાજા સુધી તેમજ ભથાણ ચોકથી પૂર્વ દરવાજા સુધી તેમજ નીલકંઠ ચોકથી પૂર્વ દરવાજા સુધી નો એન્ટ્રી, ફક્ત એક્ઝિટ રહેશે. આ આદેશોનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે તેમ વધુમાં જણાવાયું છે.

સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગીતા રબારી રંગ જમાવશે
જન્માષ્ટમી પાવન પર્વે અનુલક્ષીને જન્માષ્ટમી પૂર્વે જ દ્વારકાધીશ મંદિર સહિત અનેક સ્થળો રોશનીથી સુશોભિત કરવામાં આવે છે તેમજ સઘન સફાઈ ઝુંબેશ પણ હાથ ધરવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓ જન્માષ્ટમી દિવસે ભગવાન દ્વારકાધીશ દર્શન સરળતા કરી શકે એલ.ઇ.ડી સ્ક્રીનની ગોઠવણી કરવામાં આવી છે. ઉપરાંત, દ્વારકા ખાતે પધારતા શ્રદ્ધાળુઓ માટે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન તા.04ના રોજ સાંજે 08 કલાકે હાથીગેટ પાર્કિંગ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. જેમાં ખ્યાતનામ કલાકારો ગીતાબેન રબારી તથા ભાવેશ આહિર લોકડાયરાની પ્રસ્તુતિ કરશે. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં તેમજ જન્માષ્ટમી પર્વે દ્વારકા પધારવા જિલ્લા વહીવટી તંત્ર તરફથી હું સૌને અનુરોધ કરું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *