રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઇ રહી છે. અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વસી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ તાપીના વ્યારામાં પોણા ચાર ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.
હવામાન વિભાગના આંકડાઅનુસાર, રાજ્યના 191 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ તાપીના વ્યારામાં 3.82 ઈંચ વરસાદ નોધાયો છે. જ્યારે જામનગરના કાલાવાડમાં 3.2 ઈંચ વરસાદ પડ્યો છે. પંચમહાલના કલોલમાં 3.11, પોરબંદરના રાણાવાવમાં 3.07 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના 16 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
હવામાન વિભાગ દ્વારા આગામી 6 જુલાઇ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અરવલ્લી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
