સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા, વઢવાણ અને ચુડા તાલુકામાં આવેલા આશરે 150 ક્રશર પ્લાન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. બ્લેક ટ્રેપ ક્વોરી બંધ થવાના કારણે આ પ્લાન્ટ્સ પર નિર્ભર 3000 જેટલા ટ્રકો પણ થંભી ગયા છે, જેના પરિણામે હજારો લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે.
આ અંગે આજે ટ્રાન્સપોર્ટ સંચાલકો, ડ્રાઇવરો અને રોજમદારો દ્વારા બેનરો અને સૂત્રોચ્ચાર સાથે મામલતદારને લેખિત આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ પ્લાન્ટ બંધના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અને તેના પર નિર્ભર દૈનિક વેતન મેળવતા કામદારો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ તેમની પાસે કોઈ કામધંધો ન હોવાથી તેમના પરિવારોનું ભરણપોષણ કરવું મુશ્કેલ બન્યું છે.
આ વિસ્તાર આર્થિક રીતે પછાત ગણાય છે. અહીંની ખેતીવાડી સૂકી ખેતી પર આધારિત છે અને નર્મદા કમાન્ડ એરિયાનો લાભ પણ મળતો નથી, જેના કારણે રોજગારીની અન્ય તકો મર્યાદિત છે. બ્લેક ટ્રેપ ક્વોરીમાં કામ કરતા રોજમદારોએ સરકારને તાત્કાલિક આ પ્રશ્નનું નિરાકરણ લાવવા અને તેમને ફરીથી રોજગારી પૂરી પાડવા વિનંતી કરી છે.
આ અંગે સમીરભાઈએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, આજથી થોડા દિવસો અગાઉ ક્વોરી ઉદ્યોગ દ્વારા સરકાર પાસે વિવિધ માંગણીઓને લઈને હડતાળ કરવામાં આવી હતી. જેનાથી અમે ડમ્પરના ડ્રાઇવરો સહિતના સ્ટાફને ખુબ મોટી તકલીફ પડી રહી છે, આમેય સાયલા પંથકમાં 5,000 જેટલા ડમ્પરો છે, એ સિવાય હિટાચી અને લોડરના ડ્રાઇવરો સહિતના સ્ટાફની રોજીરોટી છીનવાઈ ગઈ છે. આથી સરકારને નમ્ર વિનંતી છે કે, ક્વોરી ઉદ્યોગની વિવિધ માંગણીઓનો સ્વીકાર કરે, એ અનુસંધાને આજે વિરોધ પ્રદર્શન સાથે વિશાળ રેલી યોજી મામલતદારને લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
