અમેરિકામાં પ્લેન ક્રેશ થતા 11 સ્કાયડાઇવર્સ અને પાઈલટના મોત

અમેરિકાના મિઝોરી રાજ્યમાંથી એક અત્યંત આઘાતજનક અને દુ:ખદ વિમાન અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. કેન્સાસ સિટી મેટ્રોના દક્ષિણ વિસ્તારમાં આવેલા બટલર શહેરમાં રવિવારે સવારે એક…

અમેરિકાના મિઝોરી રાજ્યમાંથી એક અત્યંત આઘાતજનક અને દુ:ખદ વિમાન અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. કેન્સાસ સિટી મેટ્રોના દક્ષિણ વિસ્તારમાં આવેલા બટલર શહેરમાં રવિવારે સવારે એક ખાનગી પ્લેન ક્રેશ થતાં તેમાં સવાર તમામ 12 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. સત્તાવાર સૂત્રો અને સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, આ ભયાનક દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોમાં 11 સ્કાયડાઇવર્સ (આકાશમાંથી પેરાશૂટ દ્વારા કૂદકો લગાવનારા રમતવીરો) અને પ્લેનના મુખ્ય પાઇલટનો સમાવેશ થાય છે. પ્લેનમાં સવાર તમામ લોકોના કરૂૂણ મોતથી સ્થાનિક વહીવટી તંત્ર અને નાગરિકોમાં ભારે શોક વ્યાપી ગયો છે.

બેટ્સ કાઉન્ટી ઇમરજન્સી મેનેજમેન્ટના પ્રવક્તા દ્વારા પ્રાપ્ત થયેલી સત્તાવાર માહિતી મુજબ, આ દુર્ઘટના રવિવારે સવારે આશરે 11:30 વાગ્યા પહેલાં સર્જાઈ હતી. એક ખાનગી વિમાને બટલર મેમોરિયલ એરપોર્ટ પરથી પોતાની નિયમિત ઉડાન ભરી હતી, પરંતુ ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ કોઈ અજ્ઞાત અને અકળ કારણોસર પાઇલટે પ્લેનને અચાનક પાછું વાળવાનો પ્રયાસ કર્યો હતો. પ્લેન હવામાંથી એરપોર્ટ તરફ પાછું ફરી રહ્યું હતું તે જ સમયે તે અચાનક બેકાબૂ થઈ ગયું હતું અને બિઝનેસ 49 હાઇવેના વિસ્તારમાં ધડાકાભેર તૂટી પડ્યું હતું. પ્લેન જમીન પર પટકાતાં જ તેનો કુરચેકુરચો બોલી ગયો હતો.

આ ભયાનક અકસ્માતની જાણ થતાં જ ઇમરજન્સી મેડિકલ ટીમો, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ સાથે જ મિઝોરી સ્ટેટ હાઇવે પેટ્રોલિંગના જવાનો, ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) ના ઉચ્ચ અધિકારીઓ પણ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાલમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર અકસ્માતગ્રસ્ત વિસ્તારમાં વ્યાપક સર્ચ ઓપરેશન અને શોધખોળ ચલાવવામાં આવી રહી છે. અધિકારીઓ એ બાબતની પણ ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે કે પ્લેન ક્રેશ થયું તે પહેલાં કોઈ સ્કાયડાઇવરે પેરાશૂટની મદદથી પ્લેનમાંથી બહાર કૂદકો લગાવ્યો હતો કે કેમ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *