ધ્રાંગધ્રામાં પતંગ દોરાનો ભોગ બનેલા 11 પક્ષીઓની શોભાયાત્રા કઢાઈ

મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં એક અનોખી પહેલ જોવા મળી, જ્યાં પતંગની ઘાતક દોરીથી મૃત્યુ પામેલા પક્ષીઓની અંતિમયાત્રા કાઢવામાં આવી. અરાઈસ ગ્રુપ દ્વારા આયોજિત…

મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં એક અનોખી પહેલ જોવા મળી, જ્યાં પતંગની ઘાતક દોરીથી મૃત્યુ પામેલા પક્ષીઓની અંતિમયાત્રા કાઢવામાં આવી. અરાઈસ ગ્રુપ દ્વારા આયોજિત આ વિશેષ શોભાયાત્રા 15 જાન્યુઆરીની સાંજે કંસારા બજારથી શરૂૂ થઈ, જે શહેરના મુખ્ય માર્ગો જેવા કે ગ્રીન ચોક, શક્તિ ચોક અને ઝાલા રોડ પરથી પસાર થઈ હતી.

છેલ્લા બે દિવસમાં પતંગની ચાઈનીઝ દોરીના કારણે 11 પક્ષીઓએ જીવ ગુમાવ્યાં હતા. અરાઈસ ગ્રુપ દ્વારા ઘાયલ પક્ષીઓને બચાવવા માટે વિવિધ વિસ્તારોમાંથી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને તેમને સારવાર આપવામાં આવી હતી. જો કે, કેટલાક પક્ષીઓને બચાવી શકાયા ન હતા.

યાત્રા દરમિયાન, ગ્રુપના પ્રમુખ મહેશભાઈ રાજગોર અને સામાજિક કાર્યકર જંખનાબેન ભટ્ટની હાજરીમાં લોકોને ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અને પતંગ ઉડાવતી વખતે પક્ષીઓની સુરક્ષાનું ધ્યાન રાખવા માટે જાગૃતિ ફેલાવવામાં આવી. અંતે, તળાવ કિનારે વિધિપૂર્વક મૃત પક્ષીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
આ અનોખી પહેલ દ્વારા સમાજમાં એક મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો કે તહેવારોની ઉજવણી દરમિયાન પણ પર્યાવરણ અને જીવદયાનું ધ્યાન રાખવું અત્યંત આવશ્યક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *