હીરાસર એરપોર્ટ ઉપરથી એક વર્ષમાં 11.72 લાખ મુસાફરોની હવાઈ ઉડાન

વર્ષ દરમિયાન 21316 વિમાનની અવરજવર સાથે કાર્ગો હેન્ડલિંગમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શરૂ થતાં રાજકોટ-સૌરાષ્ટ્રના આર્થિક વિકાસને નવી દિશા મળી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના…

વર્ષ દરમિયાન 21316 વિમાનની અવરજવર સાથે કાર્ગો હેન્ડલિંગમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ

હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શરૂ થતાં રાજકોટ-સૌરાષ્ટ્રના આર્થિક વિકાસને નવી દિશા મળી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટ એવા રાજકોટના હીરાસર ખાતે નિર્માણ પામેલા ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શરુ થયા બાદ રાજકોટ-સૌરાષ્ટ્રના આર્થિક વિકાસને નવી દિશા મળી છે.

રાજકોટ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપરથી વર્ષ 2025માં 11,72,141 મુસાફરોએ મુસાફરી કરી હોવાના આંકડા મળ્યા છે. એરપોર્ટના ઓપરેશનલ ડેટા પર નજર કરીએ તો વર્ષ 2025માં કુલ 8503 ફ્લાઈટનું આવા ગમન થયું જેમાં પેસેન્જર ટ્રાફિકની સંખ્યા 11,72,141 સુધી પહોંચી ગઈ છે. જેમાં ડોમેસ્ટિક શિડ્યુલ્ડ ફ્લાઇટ્સ દ્વારા મુસાફરી કરનારા મુસાફરો સૌથી વધુ છે. આંકડાઓ દર્શાવે છે કે કુલ 5,99,037 મુસાફરોએ એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું, જ્યારે 5,73,104 મુસાફરોએ અહીંથી અન્ય શહેરો તરફ ઉડાન ભરી મુસાફરી કરી છે. ખાસ કરીને શિડ્યુલ્ડ ફ્લાઇટ્સમાં 11,63,094 મુસાફરોની અવરજવર નોંધાઈ છે, જે આ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટની વધતી જતી લોકપ્રિયતા અને મહત્વને સ્પષ્ટ કરે છે. આ સિવાય નોન-શિડ્યુલ્ડ ફ્લાઇટ્સ દ્વારા પણ 8,817 જેટલા મુસાફરોએ મુસાફરી કરી હોવાનું જાણવા મળ્યું છે.

હીરાસર ખાતે નિર્માણ પામેલા ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શરુ થયા બાદ મુસાફરોની સંખ્યા અને ફ્લાઈટની ફ્રિકવન્સીમાં પણ વધારો થયો છે. જેના થી રાજકોટ જ નહીં સૌરાષ્ટ્રવાસીઓને વધુ સુવિધા મળી છે.
રાજકોટના જુના એરપોર્ટ બંધ થયું ત્યારના આંકડા ઉપર નજર કરીએ જુના એરપોર્ટ ઉપર 13 વર્ષમાં 48.56 લાખ લોકોની મુસાફરી કરી હોય ત્યારે હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર એક વર્ષમાં 11.72 લાખ મુસાફરોએ કરેલી મુસાફરીના આંકડા ઉપર થી સ્પષ્ટ થાય છે કે, હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શરૂૂ થયા બાદ રાજકોટ અને સૌરાષ્ટ્રવાસીઓની હવાઈ મુસાફરીમાં વધારો થયો છે.

રાજકોટના હીરાસર સ્થિત નવનિર્મિત ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે સૌરાષ્ટ્રના વિકાસનું નવું પ્રવેશદ્વાર સાબિત થઈ રહ્યું છે. તાજેતરમાં જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, રાજકોટ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુસાફરો અને કાર્ગોની અવરજવરમાં અભૂતપૂર્વ વધારો નોંધાયો છે. આ એરપોર્ટ માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તાર માટે હવાઈ કનેક્ટિવિટીનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે, જેની અસર પ્રાદેશિક વેપાર અને પર્યટન પર પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. વિમાનની અવરજવરના કિસ્સામાં પણ હીરાસર એરપોર્ટ સતત ધમધમતું રહ્યું છે.

એરપોર્ટ પર કુલ એરક્રાફ્ટ મૂવમેન્ટની સંખ્યા 21,316 નોંધાઈ છે. આમાં 7,190 જેટલી ડોમેસ્ટિક શિડ્યુલ્ડ ફ્લાઇટ્સની અવરજવર સામેલ છે, જેમાં આગમન અને પ્રસ્થાન બંને સમાન રીતે 3,595 ફ્લાઇટ્સના સ્તરે રહ્યા છે. આ ઉપરાંત, એરપોર્ટનો ઉપયોગ તાલીમ અને સંરક્ષણ હેતુઓ માટે પણ થઈ રહ્યો છે. આંકડાઓ અનુસાર, 843 ટ્રેનિંગ ફ્લાઇટ્સ અને 20 ડિફેન્સ મૂવમેન્ટ્સ પણ નોંધાઈ છે. વધુમાં, એરપોર્ટ પરથી પસાર થતી ઓવરફ્લાઈંગ મૂવમેન્ટ્સની સંખ્યા 11,679 જેટલી રહેવા પામી છે, જે આ હવાઈ ક્ષેત્રની વ્યસ્તતા સૂચવે છે.

હીરાસર એરપોર્ટની આ પ્રગતિ માત્ર આંકડાકીય નથી, પરંતુ તે રાજકોટ અને આસપાસના જિલ્લાઓના સર્વાંગી વિકાસની પ્રતીક છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ ઇન્ટરનેશનલ એરપોર્ટ આગામી સમયમાં વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ અને સુવિધાઓ ઉમેરશે તેવી અપેક્ષા છે. મુસાફરોની વધતી સંખ્યા અને માલસામાનની હેરફેરમાં થયેલો વધારો એ વાતની સાબિતી છે કે રાજકોટ હવે વૈશ્વિક નકશા પર એક મજબૂત પરિવહન કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. આ વિકાસથી રોજગારીની તકો વધશે અને સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગને નવી ઊંચાઈઓ મળશે.

કાર્ગો સેવા શરૂ થતા રાજકોટ-સૌરાષ્ટ્રના વેપાર ઉધોગને વેગ મળ્યો
કાર્ગો ક્ષેત્રે પણ આ રાજકોટ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટની કામગીરી પ્રશંસનીય રહી છે. કાર્ગો સેવા શરૂૂ થતા કુલ 984.784 ટન કાર્ગોનું હેન્ડલિંગ કરવામાં આવ્યું છે, જેમાંથી 660.222 ટન કાર્ગો એરપોર્ટ પર ઉતારવામાં આવ્યો હતો અને 324.562 ટન કાર્ગો અહીંથી મોકલવામાં આવ્યો હતો. રાજકોટ-સૌરાષ્ટ્રનાવેપાર ઉધોગ તેમજ વેપારીઓ માટે એરપોર્ટ ખાતે શરૂૂ થયેલી કાર્ગો સેવા આશીર્વાદરૂૂપ સાબિત થઈ રહી છે. કારણ કે ઝડપી માલસામાનની હેરફેરથી સ્થાનિક ઉદ્યોગોને મોટો ટેકો મળી રહ્યો છે. માત્ર કાર્ગો જ નહીં, પરંતુ મેઈલ (ટપાલ) સેવામાં પણ એરપોર્ટ સક્રિય રહ્યું છે, જેમાં કુલ 102.851 ટન મેઈલની હેરફેર થઈ છે.

રાજકોટથી દરરોજ 10 ફ્લાઈટની ઉડાન, આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ થવાની રાહ
રાજકોટથી દૈનિક મુંબઈ, દિલ્હી,બેંગ્લોર, હૈદરાબાદ,ગોવાની ફ્લાઈટનું આવાગમન થાય છે. રાજકોટથી દરરોજ 10 ફ્લાઈટ ઉડાન ભરે છે જેની ફ્રિકવન્સીનો લાભ મુસાફરો લઇ રહ્યા છે. હીરાસર ખાતેનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કાર્યરત થયા બાદ હવે રાજકોટ અને સૌરાષ્ટ્રવાસીઓ ગામી દિવસોમાં વધુ નવી ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરુ થાય તેની રાહ જોઈ રહ્યા છે.જેનો લાભ સૌરાષ્ટ્રના વેપાર ઉધોગોને થશે. રાજકોટ-સૌરાષ્ટ્રના વેપારીઓ અને ઉદ્યોગકારોને ધંધાના વિકાસ માટે વિદેશગમન માટે કનેક્ટિંગ ફ્લાઈટ અમદાવાદ જવું પડતું તે હવે સરળ બન્યું છે ત્યારે જો આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ થાય તો ઉધોગ જગતને પણ ઘણો ફાયદો થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *