પ્રિ-સ્કૂલના 1000 સંચાલકોનું 3 ડિસેમ્બરે ગાંધીનગરમાં હલ્લાબોલ

રાજ્યમાં પ્રિ-સ્કૂલની નોંધણીને લઈને સરકાર દ્વારા બનાવેલા નિયમો સામે પ્રિ-સ્કૂલ એસો. દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં 3 મુદ્દાઓને લઈને છેલ્લા ઘણા સમયથી એસો. દ્વારા…


રાજ્યમાં પ્રિ-સ્કૂલની નોંધણીને લઈને સરકાર દ્વારા બનાવેલા નિયમો સામે પ્રિ-સ્કૂલ એસો. દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં 3 મુદ્દાઓને લઈને છેલ્લા ઘણા સમયથી એસો. દ્વારા રજૂઆતો કરાઈ હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર નિર્ણય લેવાયો નથી. જેના પગલે હવે 3 ડિસેમ્બરે રાજ્યની તમામ પ્રિ-સ્કૂલો બંધ રાખવાનું નક્કી કરાયું છે.


આ ઉપરાંત 3 ડિસેમ્બરે રાજ્યની તમામ પ્રિ-સ્કૂલના સંચાલકો ગાંધીનગર ખાતે શાંતિપૂર્વકના પ્રદર્શન માટે એકત્ર થશે. અંદાજે 1 હજાર સંચાલકો પ્રદર્શનમાં ભાગ લે તેવી શક્યતા છે. બીયુ પરમિશન, ભાડા કરાર અને ભાગીદારીનો પણ નોંધણી માટે ઓપ્શન મળે તે મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ નિર્ણય ન લેવાતા અંતે પ્રદર્શન કરવાનું નક્કી કરાયું છે.


પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રિ-સ્કૂલ એસોસિયેશન દ્વારા પ્રિ-સ્કૂલ નોંધણી નિયમમાં રહેલી વિસંગતતા દૂર કરવા રાજ્ય સરકારમાં વારંવાર લેખિત રજૂઆતો કરવામાં આવી છે.
આ ઉપરાંત પ્રાથમિક શિક્ષણ નિયામક, શિક્ષણ સચિવ, શિક્ષણમંત્રી, મહિલા અને બાળવિકાસ મંત્રી, તમામ જિલ્લાના કલેકટર, શિક્ષણાધિકારી તેમજ તમામ મહાનગરોના મ્યુ. કમિશનરને પણ રજૂઆત કરાઈ છે. રાજ્યના મુખ્યમંત્રીને પણ રૂૂબરૂૂમાં રજૂઆત કરીને વિવિધ ત્રણ જેટલા મુદ્દા અંગે સ્પષ્ટતા કરવા માગણી કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી એસો.ને યોગ્ય પ્રયુત્તર મળ્યો ન હોવાનું સામે આવ્યું છે.


સરકાર દ્વારા રજિસ્ટ્રેશન માટે ઘડવામાં આવેલા નિયમોની સામે પ્રિ-સ્કૂલોએ રજૂઆત કરી હતી કે, કોઈપણ એટલે કે રેસિડેન્સિયલ, કોમર્શિયલ, એજ્યુકેશનલ બી.યુ. પરમિશન માન્ય રાખવામાં આવે અને બી.યુ. પરમિશન ન હોવાના કિસ્સામાં સ્ટ્રકચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટને પણ માન્ય રાખવામાં આવે. આ ઉપરાંત 15 વર્ષના રજિસ્ટર્ડ ભાડા કરારને બદલે સાદો 11 મહિનાનો નોટરાઈઝડ ભાડા કરારની મંજૂરી આપવામાં આવે તો આ પ્રશ્ન હલ થઈ શકે તેમ છે. જ્યારે ત્રીજા પ્રશ્ન તરીકે ટ્રસ્ટ- નોન પ્રોફિટ કંપની – સહકારી મંડળીની સાથે સાથે પ્રોપરાઇટર કે ભાગીદારીનો ઓપ્શન પણ પ્રિ-સ્કૂલની નોંધણી માટે હોવો જોઈએ તેવી રજૂઆત કરાઈ હતી.


આ ત્રણ બાબતે એસોસિએશન દ્વારા ખૂબજ પ્રયત્નો કરવામાં આવ્યા છે અને હાલમાં પણ પ્રયત્નો ચાલુ છે, તેમ છતાં હજી સુધી કોઈ સ્પષ્ટતા સરકાર તરફથી કરવામાં આવી નથી. જેથી શિક્ષણ વિભાગ દ્વારા એસો.ની રજૂઆતને જોઈએ તેટલું પ્રાધાન્ય આપવામાં આવતું ન હોવાનું જણાતા ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રિ-સ્કૂલ એસોસિયેશન દ્વારા 3 ડિસેમ્બરે સવારે 10 વાગે ગાંધીનગર ખાતે આવેલા રામકથા મેદાનમાં શાંતિપૂર્વક પ્રદર્શન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રદર્શનના પગલે ગુજરાત રાજ્યની તમામ પ્રિ સ્કૂલને 3 ડિસેમ્બરે બંધ રાખવાનું પણ જાહેર કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *