કોઠારીયાની એક સોસાયટીમાં રહેતાં કારખાનેદારનો 10 વર્ષનો પુત્ર પુનીતનગરમાં નવમા માળે દાદાના ઘરે ગ્રીલ પર લપસીયું ખાતો હતો ત્યારે અકસ્માતે પડી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડાયો હતો. પરંતુ તેનો જીવ બચ્યો નહોતો.
વધુ વિગતો મુજબ કોઠારીયા રોડ આસોપાલવ સોસાયટી શેરી નં. 2 પ્લોટ નં. 195માં રાંદલ કૃપા ખાતે રહેતાં કલ્પેશભાઇ ભેસાણીયાનો પુત્ર ક્રિશવ (ઉ.વ.10) પુનીતનગરમાં વૃંદાવન સીટી એપાર્ટમેન્ટ વીંગ એ-902માં પોતાના દાદાના ઘરે સાંજે સાડા પાંચેક વાગ્યે હતો ત્યારે રમતી વખતે નવમા માળે લોખંડની ગ્રીલમાં લપસીયું ખાતો હતો. આ વખતે બેલેન્સ ગુમાવતાં નીચે પટકાતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ક્રિશવને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ ટુંકી સારવાર બાદ મોત થયું હતું. બનાવની જાણ હોસ્પિટલ મારફત થતાં તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી. વી. સરવૈયાએ જરૂૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર ક્રિશવના પિતા કારખાનેદાર છે. ક્રિશવ તેનો એકનો એક દિકરો હતો અને ધોરણ-4માં અભ્યાસ કરતો હતો. રવિવારે રજા હોઇ દાદાના ઘરે ગયો હતો ત્યારે રમતી વખતે આ ઘટના બની હતી. લાડકવાયાના મૃત્યુથી ભેસાણીયા પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
