પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચે 10 વર્ષનો ડિફેન્સ કરાર, ભારત માટે ખતરાની ઘંટડી

દક્ષિણ એશિયાના રાજકારણમાં એક મોટો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશે આગામી 10 વર્ષ માટે એકબીજા સાથે ગુપ્ત માહિતી શેર કરવા માટેના સંરક્ષણ…

દક્ષિણ એશિયાના રાજકારણમાં એક મોટો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશે આગામી 10 વર્ષ માટે એકબીજા સાથે ગુપ્ત માહિતી શેર કરવા માટેના સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. વર્ષ 1971ના યુદ્ધ અને બાંગ્લાદેશની આઝાદી બાદ આ પ્રથમ ઘટના છે જ્યારે બંને દેશો સૈન્ય અને સુરક્ષાના સ્તરે આટલી નજીક આવ્યા હોય. પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીની ઢાકા મુલાકાત દરમિયાન આ ડીલને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

બાંગ્લાદેશના સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, ઢાકા અને ઈસ્લામાબાદ વચ્ચે 10 મુદ્દાઓનો સંરક્ષણ કરાર તૈયાર કરવામાં આવ્યો છે. આ કરાર પર પાકિસ્તાન તરફથી ગૃહમંત્રી મોહસિન નકવી અને બાંગ્લાદેશ તરફથી ગૃહમંત્રી સલાઉદ્દીન અહેમદે સહીઓ કરી છે. આ સમજૂતીના ભાગરૂૂપે બંને દેશોની ગુપ્તચર સંસ્થાઓ હવે આતંકવાદ, સરહદી સુરક્ષા અને સૈન્ય હિલચાલને લગતી સંવેદનશીલ માહિતીની આપ-લે કરશે.

સંરક્ષણ સંશોધન મંચના જણાવ્યા મુજબ, આ કરારમાં માત્ર માહિતી શેર કરવાની વાત નથી, પરંતુ આતંકવાદ સામે લડવા માટે સંયુક્ત પ્રયાસો પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ બંને અત્યારે તહરીક-એ-તાલિબાન જેવા આતંકવાદી સંગઠનોના વધતા પ્રભાવથી ચિંતિત છે. આ ઉપરાંત, પાસપોર્ટ અને સરકારી દસ્તાવેજોમાં થતી છેતરપિંડી રોકવા માટે બંને દેશો એકબીજાને ટેકનિકલ ઇન્ફોર્મેશન પણ પૂરી પાડશે. આ માટે બંને દેશો વચ્ચે એક વિશેષ ડેટા શેરિંગ મિકેનિઝમ તૈયાર કરવામાં આવશે.

ભારત માટે આ કરાર વ્યૂહાત્મક દૃષ્ટિએ અત્યંત ગંભીર છે. ભારતની ભૌગોલિક સ્થિતિ એવી છે કે તેની પશ્ચિમે પાકિસ્તાન સાથે 3323 કિમી અને પૂર્વે બાંગ્લાદેશ સાથે 4096 કિમી લાંબી સરહદ લાગે છે. ભારતના બે પડોશી દેશો, જેમના સંબંધો ભારત સાથે ઉતાર-ચઢાવવાળા રહ્યા છે.

તેઓ જ્યારે સૈન્ય અને ગુપ્તચર સ્તરે હાથ મિલાવે છે, ત્યારે ભારતની સુરક્ષા એજન્સીઓ માટે તે મોટો પડકાર બની શકે છે. ખાસ કરીને પૂર્વોત્તર રાજ્યોમાં સુરક્ષા અને ઘૂસણખોરીના મુદ્દે આ ગઠબંધન ભારત પર દબાણ વધારી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *