10થી 12 આની વરસ રહેશે: જુલાઇમાં બારે મેઘ ખાંગા થશે

જૂનાગઢમાં વર્ષા વિજ્ઞાન પરિસંવાદ કાર્યક્રમ બાદ 47 આગાહીકારોએ ચોમાસાનો વરતારો આપ્યો ચોમાસાને લઈ દર વર્ષે ગુજરાતભરના આગાહીકારો દ્વારા આગાહી આપવામાં આવે છે, ત્યારે આજે(25 મે)…

જૂનાગઢમાં વર્ષા વિજ્ઞાન પરિસંવાદ કાર્યક્રમ બાદ 47 આગાહીકારોએ ચોમાસાનો વરતારો આપ્યો

ચોમાસાને લઈ દર વર્ષે ગુજરાતભરના આગાહીકારો દ્વારા આગાહી આપવામાં આવે છે, ત્યારે આજે(25 મે) જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે 32મું વર્ષા વિજ્ઞાન પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પરિસંવાદમાં રાજ્યભરમાંથી આવેલા વિવિધ હવામાન વિશ્ર્લેષકોએ વર્ષ 2026ના ચોમાસા અંગે પોતાના મહત્વના પૂર્વાનુમાનો રજૂ કર્યા હતા. આ વર્ષે પરંપરાગત પદ્ધતિઓ જેવી કે ગ્રહ નક્ષત્રો, હોળી અને અખાત્રીજના પવનો, પશુ-પક્ષીઓની ચેષ્ટા તેમજ વનસ્પતિના લક્ષણોના આધારે આગામી ચોમાસાની સ્થિતિનો અંદાજ લગાવવામાં આવ્યો છે.આગામી ચોમાસાની શરૂૂઆત અંગે તારણ છે કે મે મહિનાના અંતમાં અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાવાથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂૂ થશે.

જૂન મહિનાની શરૂૂઆતમાં અથવા બીજા અઠવાડિયામાં પ્રથમ વાવણીનો વરસાદ થઈ શકે છે, જ્યારે સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવણીલાયક સાર્વત્રિક વરસાદ જૂનના ચોથા અઠવાડિયામાં પૂર્ણ થવાની સંભાવના છે. ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને મજબૂત સિસ્ટમને કારણે ક્યાંક પૂર તથા તોફાની વાતાવરણની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. જો કે, ક્લાઇમેટ ચેન્જ અને અલ-નીનોની અસરને લીધે ઓગસ્ટ કે શ્રાવણ-ભાદરવા મહિનામાં વરસાદની ખેંચ વર્તાઈ શકે છે અને વાતાવરણ ઉકળાટવાળું રહેશે.આગાહીકાર રમણીક વામજાએ જણાવ્યું હતું કે હું 35 વર્ષથી ખગોળ વિદ્યાથી વરસાદની આગાહી આપું છું. વરસાદ પડવો એ કુદરતી વાત છે.

અત્યારે જે વરસાદની પરિસ્થિતિ છે, ત્યારે હું 22 મુદ્દા પર વરસાદની આગાહી આપું છું. આવતું વર્ષ સારું જશે તેનું કારણ… કે હાથીયા નક્ષત્ર 2025ની અંદર ગાજવીજ સાથે વરસાદ થયેલ અને શરદ પૂનમના દિવસે પણ વરસાદનો એક ભેજ રાખવામાં આવે છે, થાળી પવન રાખવામાં આવે છે, ત્યારે અતિ ભેજ આવેલો હતો એટલે વર્ષ સારું જશે.આ વર્ષે મેં ઘણા લોકોને કહેલું કે યુદ્ધના ભણકારા વાગશે, સફેદ વસ્તુ મોંઘી થશે અને અતિ ભારે ગરમી પડશે એ અગાઉ પણ આપેલ છે, હજી પણ ગરમી પડશે એનું કારણ કે બે ચંદ્રગ્રહણ અને બે સૂર્યગ્રહણ આવી રહ્યા હોવાથી, હજી સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ ઓગસ્ટ મહિનાની અંદર આવશે.

ત્યારે પણ નવા-જૂની કોઈપણ દેશોની અંદર અતિ ભારે વરસાદ થાય, તોફાનો થાય,આવો બનાવ બનતા રહેશે.મુખ્ય ચાર સ્તંભ હોય છે. ચૈતર, વૈશાખ અને જેઠ, અષાઢ… એ અમે જોઈએ છીએ. ત્યારે આ વખતે ખેડૂતો માટે પાછતરો વરસાદ થવાથી પાક પાણીમાં નુકસાન જશે. આ વર્ષે ખેડૂતો માટે વાવણીની તારીખ: 17-6, 20-6, 27-6 એ સમગ્ર સોરઠમાં વાવણી થશે. ખેડૂતો માટે વર્ષ સારું છે. વેપારીઓ માટે ભયંકર મંદી આવશે. ગાજવીજ વધારે થશે, સફેદ વસ્તુ ઉપર એવો બનાવ બનશે અને જુલાઈ માસમાં અતિવૃષ્ટિ બંદરો પર થશે. 50થી 55 ઇંચ વરસાદ થશે.

 

શરૂઆતના તબક્કામાં વાવણી લાયક વરસાદ પડશે પછી આતરૂ પડશે
માળીયાહાટીના તાલુકાના જલંધર ગામના વતની અને આગાહીકાર અનિલ દવેએ જણાવ્યું કે આમતો મેઘા મરણ અને મોંઘવારીની કોઈ આગાહી શક્ય નથી, છતાં પણ માણસની જાત કાયમ માટે સત્યની નજીક જવા માટેના પ્રયાસો કરતી હોય છે, એમાંનો અમારો પ્રયાસ ભાગરૂપે આગાહીકારો અમે મળીએ છીએ.આ વર્ષમાં 24 જૂનથી 30 જૂનની વચ્ચે વાવણીલાયક સૌરાષ્ટ્રમાં વરસાદ થશે. તે પહેલા પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે લગભગ 15 જૂનથી 20 જૂનની આસપાસ એકાદો રાઉન્ડ આવશે, પરંતુ વાવણી લાયક નહીં હોય.ખાસ કરીને ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ અને યુદ્ધો માણસ જાતે જે ચાલુ કર્યા છે, એને લઈને પ્રકૃતિમાં પણ બદલાવ આવ્યો છે. ખાસ અલ-નીનોને હિસાબે આ વર્ષે થોડું કપરું વર્ષ તો દેખાય છે. શરૂઆતના તબક્કામાં વાવણી લાયક વરસાદ થયા પછી આતરૂ પડશે.

6 જૂનથી 11 જૂન દરમિયાન પ્રથમ વાવણીનો વરસાદ થશે
ચોમાસાની પ્રથમ વાવણી જૂન મહિનાની શરૂૂઆતમાં જ જોવા મળશે. 6 જૂનથી 11 જૂન દરમિયાન પ્રથમ વાવણીનો વરસાદ થશે, જેમાં અંદાજે 3 ઇંચ સુધીનો અથવા તેનાથી ઓછો વરસાદ પડી શકે છે. ત્યારબાદ, સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં વાવણીલાયક સાર્વત્રિક વરસાદ 17 જૂનથી 26 જૂન દરમિયાન થવાની સંભાવના છે. આ ગાળામાં સમગ્ર ગુજરાતમાં વાવણીની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. જામનગર, ખંભાળિયા, જૂનાગઢ, અમદાવાદ અને કચ્છ સહિતના તમામ વિસ્તારોમાં 20 ઇંચ જેવો સારો વરસાદ થઈ શકે છે.

દશેરાથી દિવાળીની વચ્ચે 10થી 15 દિવસનો વરસાદી રાઉન્ડ આવી શકે
ઓગસ્ટ મહિનાની 6 તારીખથી 18 તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં ’વાયરુ’ ફૂંકાશે. આ દિવસોમાં વરસાદ નહિવત (ખૂબ ઓછો) રહેશે, પરંતુ વાદળછાયું અને ધામભર્યું (ઉકળાટવાળું) વાતાવરણ જોવા મળશે.આ વર્ષે ચોમાસું વિધિવત રીતે 30 ઓક્ટોબર 2026ના રોજ સમગ્ર ગુજરાત અને કચ્છમાંથી વિદાય લેશે. ગુજરાતી માસ પ્રમાણે આસો સુદ દશેરા (નવરાત્રી પછી) થી લઈને દિવાળીની વચ્ચે 10થી 15 દિવસનો વરસાદી રાઉન્ડ આવી શકે છે. આ વરસાદ ખેડૂતોના ઊભા મોલ (પાક)ને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડી શકે છે. તેથી ખેડૂતોને ખાસ ભલામણ છે કે તેઓ દિવાળી પછી જ નવા મોલની વાવણી કરે જેથી નુકસાનીથી બચી શકાય.

15 ઓક્ટોબરથી વરસાદ વિદાય લેશે
ત્યારે આજે જે આગાહીકારોએ આગાહી કરી છે જેમાં પૂર્વ અનુમાન પ્રમાણે સરેરાશ તારણ એવું નીકળે છે કે આગામી ચોમાસુ 2026 અંદાજે 56 દિવસનો વરસાદ રહેશે. જેમાં 10થી 12 આની જેટલુ વર્ષ થશે. અને 75 ટકા વર્ષ થાય તેવું તારણ આપવામાં આવ્યું છે. બે તબક્કામાં વાવણીનું આગાહીકારોએ અનુમાન લગાવ્યું છે. તેમાં પ્રથમ વાવણી જૂન મહિનાના બીજા અઠવાડિયામાં અને બીજી વાવણી જૂન મહિનાના ચોથા અઠવાડિયામાં થાય તેવું સંયુક્ત રીતે 47 આગાહીકારોએ જણાવ્યું છે. 14 અવલોકનકારો વર્ષ સારું કહે છે અને 27 અવલોકનકારો વર્ષ મધ્યમ રહેશે તેવું કહે છે. ત્યારે સરેરાશ એવું કહી શકાય કે 10થી 12 આની વર્ષ રહેશે, તમામ આગાહીકારોનું મંતવ્ય છે કે 15 ઓક્ટોબરથી વરસાદ વિદાય લેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *