સૌથી વધુ અમેરિકામાં અસર, યુરોપ બીજા નંબરે, WHOનો ચોંકાવનારો અહેવાલ
આજે આખી દુનિયામાં માનસિક સ્વાસ્થ્યનું સંકટ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે, જે એક મોટી ચિંતાનો વિષય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, હાલમાં દુનિયામાં દર 8માંથી 1 વ્યક્તિ કોઈને કોઈ પ્રકારની માનસિક બીમારી અથવા વિકૃતિનો સામનો કરી રહી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ સ્વિટ્ઝર્લેન્ડના જિનીવા ખાતે યોજાયેલી 79મી ’વર્લ્ડ હેલ્થ એસેમ્બલી’માં માનસિક સ્વાસ્થ્યને સૌથી મહત્વના મુદ્દા તરીકે સામેલ કરવામાં આવ્યું હતું.
હાલમાં ડિપ્રેશન અને એન્ઝાઈટી સૌથી સામાન્ય બીમારીઓ બની ગઈ છે. WHOના મતે, દુનિયામાં સૌથી વધુ 15.6% માનસિક બીમારીઓ અમેરિકાના વિસ્તારોમાં છે, ત્યારબાદ યુરોપમાં 14.2% અને દક્ષિણ-પૂર્વ એશિયામાં 13.2% કેસ છે. કોવિડ-19 મહામારી પછી આ કેસોમાં અચાનક મોટો ઉછાળો આવ્યો છે અને તે દુનિયાભરમાં અક્ષમતા (અપંગતા) નું એક મુખ્ય કારણ બની રહ્યું છે.
આ સંકટનું સૌથી મોટું અને ડરામણું પાસું એ છે કે તેના કારણે આત્મહત્યાના કેસો વધી રહ્યા છે. પ્રસિદ્ધ મેડિકલ જર્નલ ’ધ લેન્સેટ’ મુજબ, દુનિયામાં દર વર્ષે આશરે 740,000 લોકો આત્મહત્યા કરે છે. આનો અર્થ એ થયો કે વૈશ્વિક સ્તરે દર 43 સેક્ધડે 1 વ્યક્તિ પોતાનો જીવ ટૂંકાવી લે છે. આજના સમયમાં 15 થી 29 વર્ષના યુવાનોના મોતમાં આત્મહત્યા એ ત્રીજું સૌથી મોટું કારણ બની ગયું છે. રિપોર્ટ મુજબ, પોર્ટુગલમાં એન્ઝાઈટીના સૌથી વધુ કેસ છે, જ્યારે સિરિયા ડિપ્રેશનના કેસોમાં સૌથી ટોચ પર છે.
માનસિક રોગોને જો સમયસર ઓળખીને તેની સારવાર ન કરવામાં આવે, તો તે જીવન બરબાદ કરી શકે છે. નિષ્ણાતો આનાથી બચવા માટે 3 મહત્વની સલાહ આપે છે: હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવો: તણાવ ઓછો કરવા માટે રોજ 7-8 કલાકની સારી ઊંઘ લો. શારીરિક રીતે એક્ટિવ રહો અને યોગ કે મેડિટેશન (ધ્યાન) ને રોજિંદા જીવનનો હિસ્સો બનાવો.
દિલ ખોલીને વાત કરો: જો તમે એકલતા, ઉદાસી કે તણાવ અનુભવતા હોવ, તો મનની વાત મનમાં રાખવાને બદલે પરિવારના સભ્યો કે વિશ્વાસુ મિત્રો સાથે શેર કરો. ડોક્ટરની મદદ લો: જો ચિંતા કે ઉદાસી લાંબા સમય સુધી પીછો ન છોડે, તો તેને છુપાવવાને બદલે શરમ રાખ્યા વિના તાત્કાલિક કોઈ સારા કાઉન્સિલર કે સાયકોલોજિસ્ટની સલાહ લો.
માનસિક વિકાર શું છે અને તેના પ્રકારો
માનસિક વિકાર એક એવી સ્થિતિ છે જે માણસના વિચારો, તેના વર્તન અને અનુભવવાની ક્ષમતાને સીધી અસર કરે છે. નિષ્ણાતોના મતે તેના ઘણા પ્રકારો છે, જેમ કે
ડિપ્રેશન (હતાશા) અને એન્ઝાઈટી (ચિંતા)
બાયપોલર ડિસઓર્ડર અને સામાજિક ડર (સોશિયલ ફોબિયા)
PTSD (પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર)
સ્કિઝોફ્રેનિયા અને ઈટિંગ ડિસઓર્ડર (ખાવા-પીવાની અનિયમિતતા)
