જામનગરમાં રોયલ એમ્પાયરની લિફ્ટમાં છ વૃદ્ધો ફસાયા

જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલા રોયલ એમ્પાયર નામના બિલ્ડિંગમાં આજે સવારે લિફ્ટ બંધ પડી જતાં છ જેટલા વૃદ્ધો અંદર ફસાઈ જવાનો બનાવ બન્યો હતો.…

જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલા રોયલ એમ્પાયર નામના બિલ્ડિંગમાં આજે સવારે લિફ્ટ બંધ પડી જતાં છ જેટલા વૃદ્ધો અંદર ફસાઈ જવાનો બનાવ બન્યો હતો. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી તમામ છ વ્યક્તિઓને હેમખેમ બહાર કાઢી લેતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

બનાવની વિગતો મુજબ રોયલ એમ્પાયર બિલ્ડિંગના પ્રથમ માળે આવેલા ફિઝિયોથેરાપી સેન્ટરમાં સવારે સાડા નવ વાગ્યાના અરસામાં કેટલાક વૃદ્ધો કસરત અને ફિટનેસની પ્રવૃત્તિ માટે આવ્યા હતા. જેમાં ચાર મહિલાઓ અને બે પુરુષો સહિત કુલ છ વ્યક્તિઓનો સમાવેશ થતો હતો. સવારે આશરે પોણા અગિયાર વાગ્યાના અરસામાં આ તમામ વ્યક્તિઓ લિફ્ટ મારફતે નીચે આવવા માટે પ્રયાસ કરી રહ્યાં હતાં, તે દરમિયાન અચાનક વીજ પુરવઠો ખોરવાતાં લિફ્ટ અધવચ્ચે જ બંધ પડી ગઈ હતી.

બિલ્ડિંગમાં જનરેટરની વ્યવસ્થા હોવા છતાં લિફ્ટ સાથે જનરેટરનું જોડાણ ન હોવાથી વીજળી જતાં લિફ્ટ બંધ થઈ ગઈ હતી અને અંદર રહેલા છ વૃદ્ધો ફસાઈ ગયા હતા. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયર શાખાની ટીમ તાત્કાલિક રોયલ એમ્પાયર ખાતે પહોંચી હતી.

ફાયર વિભાગના જવાનોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી લિફ્ટમાં ફસાયેલા ચાર મહિલા અને બે પુરુષ સહિત તમામ છ વ્યક્તિઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા. સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી. ફાયર બ્રિગેડની સમયસરની કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *