તમારું ભવિષ્ય એક પરિણામથી નક્કી થતું નથી

મોટાભાગના ઘરોમાં પરીક્ષા દરમિયાન ઘરનો માહોલ ગભરાટ, ભય, ચિંતા અને તણાવગ્રસ્ત જ જોવા મળે છે. પરીક્ષાનો સમય માત્ર લેખન, સિલેબસ અને રટણનો જ નહીં, પરંતુ…

મોટાભાગના ઘરોમાં પરીક્ષા દરમિયાન ઘરનો માહોલ ગભરાટ, ભય, ચિંતા અને તણાવગ્રસ્ત જ જોવા મળે છે. પરીક્ષાનો સમય માત્ર લેખન, સિલેબસ અને રટણનો જ નહીં, પરંતુ મનને મજબૂત બનાવવા, પોતાના પર વિશ્વાસ જાળવવા અને આંતરિક શક્તિ શોધવાનો સમય પણ છે. દરેકે યાદ રાખવું જરૂૂરી છે કે સફળતાં માત્ર માર્કસથી નહીં, પણ મનની સ્થિતિથી બને છે. પરીક્ષા એ જીવનનો અંત નથી, તે ફક્ત જીવનનો એક પડાવ છે. તેથી જ જરૂૂરી નથી કે એક પડાવ પસાર કરવામાં વિલંબતા આવી તો જીવનમાં નિષ્ફ્ળતા જ મળે. દરેક કોશિશ પર કામયાબી લખેલી હોય છે, તો બાળકોને જીવનમાં દરેક મંજિલે પહોંચવા કોશિશ કરતા રહેવું, જેવા અનેક હિંમતભર્યા શબ્દોથી સાથ આપવો જોઈએ.

આપણા સમાજમાં માર્કશીટને જ સફળતાનો પરમ માપદંડ માનવાની પ્રથા એટલી જૂની છે કે, “આપણે ભૂલી જઈએ છીએ કે પરિણામ એક દિવસનું છે, પરંતુ વિદ્યાર્થીનું ભવિષ્ય અનેક વર્ષોનું છે.” પરિણામ આપણાં હાથમાં નથી, પણ તેના પછીનું વર્તન કે ઘરનો માહોલ આપણાં જ હાથમાં છે. લગભગ ઘરોમાં પરિણામ સારું આવે તો આનંદ અને ઊજવણી થાય, પરંતુ જો નબળું આવે તો બધાના મન તૂટી જાય અને બાળકોને પોતાના ભૂતકાળની અનેક નિષ્ફળતાઓ ગણાવતા ધમકાવે કે ડરાવે છે. વાસ્તવમાં સત્ય એ છે કે નબળું પરિણામ એટલે વિદ્યાર્થી નબળો નહીં, પણ એ માત્ર એક સમયની પરિસ્થિતિ છે. દરેકમાં પોતાની કૌશલ્યતા અલગ અલગ હોવાની છે, પરંતુ આપણે તો આ કૌશલ્યને અભ્યાસ સાથે એટલો ગાઢ વણી લીધો છે કે, હજુ વર્ષો સુધી એની છાપ રહેશે. બધાં બાળકો અભ્યાસ દ્વારા જ આગળ વધશે એવી આપણી જૂની પુરાણી અને વાહિયાત માન્યતા છે. જેમાંથી દરેકે બહાર નીકળીને બાળકોના પોતાનાં કૌશલ્યો, કુશળતા, શોખ, ગમો કે અણગમો જોઈને પ્રોત્સાહિત કરવા જોઈએ.

હતાશભર્યું વાતાવરણ વિદ્યાર્થીઓને વધુ ડરાવશે. કેમકે પોતે મનથી સમજી લેશે કે જીવનમાં પોતે કશું હવે નહીં કરી શકે. પોતાનું ભવિષ્ય હવે ધુંધળું બનવાનું છે. પોતાના સહાધ્યાયીઓ આગળ નીકળી જશે, જેવી અનેક તુલનાઓ બાળકને મનથી તોડી નાખે છે. આવા ક્ષણે વાલીઓએ સાથ આપવો જોઈએ કે તારું એક પેપર કે એક પરીક્ષા જીવનની દિશા નક્કી નહીં કરે. બાળકોની સાચી દિશા તો પરિવારનું વર્તન જ નક્કી કરે છે. દરેક મુસીબતે બાળકને પ્રોત્સાહનની જરૂૂર પડે છે. જે આપણે આપવામાં થાપ ખાઈ જઈએ છીએ. પરિણામે બાળકની પોતાની ક્ષમતા કે કુશળતા બહાર આવવાના બદલે બહુ ઊંડે દબાઈ જતી હોય છે.

જો પરીક્ષાના અવ્વલ નંબરે જ આગળ વધી શકાયું હોત તો આલ્બર્ટ આઈન્સ્ટાઈન ક્યારેય આગળ વધી ના શકત. સ્કૂલમાં શિક્ષકો સતત નકારાત્મક અભિગમ આપતા રહેતા અને સ્કૂલમાં ખાસ ક્યાય ચમક્યા પણ નહીં, છતાં પોતે પોતાના અવિરત પ્રયત્નો અને જિજ્ઞાસાની શક્તિથી તેમજ તેની માતાના હકારાત્મક વલણે દુનિયાના મહાન વૈજ્ઞાનિકોમાં સ્થાન મેળવ્યું. આ એક જ ઉદાહરણ વિદ્યાર્થી કે વાલીઓને યાદ અપાવે છે કે, “એક પરીક્ષા જીવન નક્કી કરતી નથી, આજની સમજણ અને પ્રોત્સાહન જ કાલની સફળતાનો માર્ગ બનાવે છે.

જીવનના દરેક પડાવમાં તુલના કરવા કરતા તેની પ્રગતિ પર ધ્યાન આપવું જોઈએ. જેમ આલ્બર્ટ આઈન્સ્ટાઈનએ નબળા પરિણામને જ પોતાની ઓળખ બનાવી દીધી, તેવી જ રીતે બાળકોએ પોતાની ક્ષમતા પર અતૂટ વિશ્વાસ ધરાવવો જોઈએ. હમણાં થોડા સમયમાં જ પરિણામો જાહેર થશે કે તરત છાપાઓમાં પરિણામની સાથે સાથે બાળકોના આત્મહત્યાના કિસ્સાઓ પણ આવશે જ. દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ હતાશા, ડર, કે નિષ્ફળતાના લીધે આત્મહત્યા તરફ વળતા હોય છે.

અંતે, બાળકોમાં કુશળતા ભરેલી જ છે, જેને ઓળખીને યોગ્ય અને સકારાત્મક માર્ગદર્શન બાળકોને મળતું રહે તો ગમે તે બાળક મુશ્કેલીઓને કે બુદ્ધિ નક્કી કરતી પરીક્ષાને મહાત આપી શકે. કમ સે કમ ડરના લીધે આત્મહત્યા કે અવળા માર્ગે તો ના જ ચડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *