અમદાવાદના હંસપુરા વિસ્તારમાં સરદાર પટેલ રિંગ રોડ પર વિશાલા એમ્પાયર બિલ્ડિંગના એક સ્પામાં કામ કરતા યુવકની ચોથા માળની બારીમાંથી નીચે ફેંકી દેવામાં આવી હતી. ઓઢવમાં સ્પામાં પોલીસની રેડને લઈ યુવકે બાતમી આપ્યાની અદાવતમાં 5 શખસ સ્પામાં ઘૂસ્યા હતા. જ્યાં દશરથ નામના યુવક સાથે બોલાચાલી કરી તેને ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં સ્પામાં તોડફોડ કરી હતી. જે મારામારી અને તોડફોડની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. નરોડા પોલીસને ઘટનાની જાણ થતા જ ટીમ કાફલા સાથે સ્થળ પર પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.
વિશાલા એમ્પાયર બિલ્ડિંગમાં ક્રિશા સ્પા નામથી બોડી મસાજ સ્પા છે.
જેમાં દશરથ મીણા નામનો યુવક નોકરી કરતો હતો. 5 ઓગસ્ટના રોજ રાત્રે 8:00 વાગ્યાની આજુબાજુ ઓઢવ વિસ્તારમાં એક સ્પામાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. જે રેડ પોલીસને બાતમી આપી હોવાની અદાવતમાં આરોપીઓએ યુવક જે સ્પામાં નોકરી કરતો ત્યાં પહોંચ્યા હતા.સ્પામાં હાજર યુવકે પોલીસની રેડ પોતે ન પડાવી હોવાનું આરોપીઓને કહ્યું હતું. જો કે આ સમયે બોલાચાલી થયા બાદ ત્યાંથી તેઓ જતા રહ્યા હતા. જે બાદ મોડી રાત્રે 12:30 વાગ્યાની આસપાસ 4થી 5 લોકો ફરી ક્રિશા સ્પામાં આવ્યા હતા. જ્યાં સ્પામાં મહિલા અને દશરથ મીણા નામનો યુવક હાજર હતો. તેની સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા. એ સાથે જ દશરથને આરોપીઓએ ઢોર માર માર્યો હતો અને સ્પામાં તોડફોડ કરવા લાગ્યા હતા.
ત્યારબાદ ઝનુની બનેલા આરોપીઓએ દશરથને ચોથા માળે બારીમાંથી નીચે ફેંકી દીધો હતો. જેથી દશરથનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થઈ ગયું હતું. હત્યા કર્યાં બાદ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
