ભાવનગર શહેરના એસટી બસ સ્ટેન્ડની બહાર મ્યુનિસિપાલિટીની કચરા ગાડી ટેમ્પલ બેલ એક્ટિવા ચાલકને ટક્કર મારતાં યુવકને ગંભીર ઇજાઓ થતાં તેનું મોત નિપજ્યું હતું.
અકસ્માતની પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ભોજાવદરના રહેવાસી પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ સિંઘલે નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓનો દીકરો બાદલ (ઉં.વ. 26) જે બે-ત્રણ વર્ષથી ભાવનગર શહેરમાં રહેતો હતો અને સ્પા-મસાજ પાર્લરનું કામ કરતો હતો. તે કોઈ કામ સબબ દીકરો બાદલ એક્ટિવા નંબર GJ-04-ES-4472 લઈ જતો હતો, તે સમયે એસટી બસ સ્ટેન્ડની બહાર રોડ પર સામેથી આવતી મ્યુનિસિપાલટીની ટેમ્પલ બેલ જેના ઉપર ઓન કોન્ટ્રાક્ટ વિથ બી.એમ.સી. લખેલું હતુ, તેના ચાલકે પૂરપાટ ઝડપે બેફિકરાઈથી ચલાવી તેઓના દીકરો બાદલના એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ગંભીર ઈજા પહોંચતા બાદલને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડાયેલ જ્યાં તેનું મોત નિપજ્યું હતું.આ બનાવ અંગે પોલીસે ટેમ્પલ બેલ નંબર જીજે06 બી એક્સ 0427 ના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
