ગોંડલ તાલુકાના રીબડા ઇન્ડસ્ટ્રીઝ સેટેલાઇટ ઝોન-5માં જેસીબી અને ટ્રેક્ટર વડે પાયા ખોદવાનું કામ કરી રહેલા શ્રમિકોને કુહાડી બતાવી, ડરાવી-ધમકાવીને કામ બંધ કરાવવા અંગે રીબડાના એક શખ્સ સામે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) અને જી.પી. એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, સીંધાવદર ગામે રહેતા અને જેસીબી તેમજ ટ્રેક્ટરો ભાડે ચલાવવાનો વ્યવસાય કરતા અજયસિંહ હરશ્યામસિંહ જાડેજા (ઉં.વ. 35) એ રીબડા ગામના મનીષ ખુંટ ઉર્ફે મીતેષ દામજીભાઈ ખુંટ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. ગઈ તારીખ 29 જૂન 2026ના રોજ સેટેલાઇટ ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં જયેશભાઈ કનેરિયાના પ્લોટમાં ફરિયાદીનું જેસીબી અને ટ્રેક્ટર પાયા ખોદવાનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન બપોરે 11:56 વાગ્યાની આસપાસ ટ્રેક્ટર ચાલક ચેતનભાઈ રાઠવાએ ફોન કરીને અજયસિંહને જણાવ્યું કે, એક માણસ મોટરસાયકલ પર હાથમાં કુહાડી લઈને આવ્યો હતો. તેણે મજૂરોને ગાળો આપી, ડરાવી-ધમકાવીને કામ બંધ કરાવી દીધું હતું અને ’હવે કામ ચાલુ કરતા નહીં’ તેવી ધમકી આપી નાસી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ અજયસિંહ અને તેમના પિતરાઈ ભાઈ રાજવીરસિંહ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. આજુબાજુમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતાં ધમકી આપનાર શખ્સ રીબડાનો મનીષ ખુંટ હોવાનું માલૂમ પડ્યું હતું.
આ ઘટના બાદ સાંજે ચાર વાગ્યાની આસપાસ ફરિયાદી અજયસિંહ જ્યારે ઇન્ડસ્ટ્રીઝ ઝોનના વેપારી પરેશભાઈ ફળદુ અને પિતરાઈ ભાઈ રાજવીરસિંહ સાથે ઓફિસની બહાર ખુરશી નાખીને બેઠા હતા, ત્યારે આરોપી મનીષ ખુંટ ફરી ત્યાંથી બાઇક લઈને નીકળ્યો હતો. તેણે ફરિયાદીને જોઈને સામું શું જોવે છે? તેમ કહી હાથ ઊંચો કરી ગાળો ભાંડી હતી. ગોંડલ તાલુકા પોલીસે અજયસિંહ જાડેજાની ફરિયાદના આધારે આરોપી મનીષ ખુંટ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 351(2), 352 તથા જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
