બિલનો વિરોધ કરનાર વિપક્ષોને જનતાની અદાલતમાં ઘેરશે ભાજપ
293 સાંસદો હોવા છતાં સરકાર તરફે 278 મત જ પડતાં વિરોધ પક્ષો ગેલમાં
સંસદમાં ડિલિમિટેશન બિલના કારણે મહિલા અનામત બિલ પણ નામંજુર થતા મોદી સરકારને જબરો ફટકો પડયો છે અને વિપક્ષોની એકતાનો વિજય થયો છે ત્યારે હવે એનડીએ અને ઇન્ડીયા ગઠબંધને હવે સંસદની આ લડાઇ શેરીઓમાં લઇ જવા શસ્ત્રો સજાવ્યા છે. બિલ નામંજુર થતા ઘવાયેલ ભાજપે હવે બિલ રોકનાર વિપક્ષી નેતાઓને જનતાની અદાલતમાં ઘેેરવાનો પ્લાન બનાવ્યો છે.
જયારે કોંગ્રેસ સહીતના વિરોક્ષ પક્ષોએ મહીલા અનામતની આડમાં ચુંટણીનો નકશો બદલવાનો કારસો હોવાના મુદ્દે ભાજપને ઘેરવાનો પ્લાન બનાવી લીધો છે. જેના કારણે આગામી દિવસોમાં શાસકપક્ષ-વિપક્ષો વચ્ચે આ મુદ્દે શેરીઓમાં સમરાંગણ સર્જાય તેવી શકયતા છે.
બિલ નિષ્ફળ જતાં જ NDA છાવણી એક્શન મોડમાં આવી ગઈ છે. જેપી નડ્ડા, નીતિન નવીન અને અનુપ્રિયા પટેલ જેવા દિગ્ગજ નેતાઓની ફ્લોર લીડર બેઠકમાં એક અત્યંત આક્રમક યોજના તૈયાર કરવામાં આવી છે. NDA હવે દેશવ્યાપી ઝુંબેશ શરૂૂ કરીને જનતાને જણાવશે કે કેવી રીતે વિપક્ષી ગઠબંધને મહિલાઓના અધિકારો પર તરાપ મારી છે. આ બેઠકમાં લેવાયેલો સૌથી ચોંકાવનારો નિર્ણય એ છે કે જે વિપક્ષી સાંસદોએ આ બિલનો વિરોધ કર્યો છે, NDA તેમના જ મતવિસ્તારમાં જઈને વિરોધ પ્રદર્શન કરશે અને તેમના ’કાળા રહસ્યો’ જનતા સમક્ષ ખુલ્લા પાડશે.
આ રાજકીય ગજગ્રાહ હવે માત્ર સંસદ પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ તે સીધો ચૂંટણી મેદાનમાં પહોંચી ગયો છે. NDA એ નક્કી કર્યું છે કે મહિલા અનામતનો મુદ્દો આગામી ચૂંટણીઓમાં કેન્દ્રસ્થાને રાખવામાં આવશે.
વિરોધ પક્ષો પર ’મહિલા વિરોધી’ હોવાનો સિક્કો મારીને તેમને મતદારોની નજરમાં નીચે પાડવાની આ રણનીતિ વિપક્ષ માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. સંસદમાં થયેલી આ હારને હવે સત્તાધારી પક્ષ જનતાની સહાનુભૂતિ અને મત મેળવવા માટેના હથિયાર તરીકે વાપરવાની તૈયારી કરી રહ્યો છે, જેનાથી આગામી સમયમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચશે.
સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, ’જે અમારો પક્ષ છે, તેને અમે બિલકુલ સ્પષ્ટ કરી દીધો છે. લાગે છે કે ગાડીઓ અટકી રહી છે, લાગે છે કે પ્રયાસમાં કોઈ કમી રહી ગઈ હોય. અમે મહિલા અનામતના પક્ષમાં છીએ. મહિલાઓને અનામત મળે, તેમને સુરક્ષા મળે, તેમનું સન્માન વધે, તેમને સ્થાન મળે અને લોકશાહીમાં તેમને જે સ્થાન મળવું જોઈતું હતું અમે તેના પક્ષમાં છીએ. સમાજવાદી પાર્ટી અથવા વિપક્ષમાં કોઈએ પણ મહિલા અનામતનો વિરોધ નથી કર્યો. પરંતુ તેમની સાથે જે મહિલાઓના હક-અધિકારને જ છીનવવા ઇચ્છતા હતા, તો લક્ષ્મણ રેખા વિપક્ષે એવી ખેંચી કે તેઓ તેને પાર ના કરી શક્યા.’
કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું, ’આ મહિલા અનામત અંગે નહીં પરંતુ લોકશાહી વિશે હતું. અમે ક્યારેય સીમાંકનને મહિલા અનામત સાથે જોડવા માટે સંમત થઈ શકીએ નહીં. આ બિલ પસાર થાય તે શક્ય નહોતું. આ આપણા દેશમાં લોકશાહી માટે એક મોટી જીત છે. જે લોકોએ હાથરસ, ઉન્નાવ અને મણિપુરમાં કોઈ કાર્યવાહી કરી ન હતી તેઓ મહિલા વિરોધી માનસિકતા વિશે વાત કરી રહ્યા છે?’
લોકસભાના સાંસદ રાહુલ ગાંધીએ કહે છે કે, ’અમે બંધારણ પરના આ હુમલાને હરાવી દીધો છે. અમે સ્પષ્ટપણે કહ્યું છે કે આ મહિલા અનામત બિલ નથી, પરંતુ તે ભારતના રાજકીય માળખાને બદલવાનો એક માર્ગ છે.’
NDA ના મહિલા સાંસદોનો મોરચો, 18મીથી વિપક્ષોના નિવાસે પ્રદર્શન
મહિલા અનામતથી જોડાયેલા ત્રણેય બિલ મતદાન દરમિયાન લોકસભામાં નાપાસ થયા બાદ ભાજપ અને NDA ની મહિલા સાંસદોએ વિપક્ષ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું. સંસદના મકર દ્વારથી આ વિરોધ પ્રદર્શન શરૂૂ થયું. હવે ભાજપ અને NDA માં સામેલ પક્ષોના કાર્યકર્તાઓ કાલે એટલે કે 18 એપ્રિલથી ઇન્ડિયા બ્લોકથી જોડાયેલી પાર્ટીઓના નેતાઓના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરશે. લોકસભામાં પહેલા રાઉન્ડમાં બંધારણ (131મો સુધારો) સુધારા બિલના સમર્થનમાં 278 મત પડ્યા અને 211 મત વિરોધમાં પડ્યા. આમ, લોકસભામાં કુલ 489 મતદાન થયું હતું.
