ભ્રષ્ટાચારનો સડો છેક ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચ્યો છે જેના કારણે સરકારી યોજનાનો છેવાડાના માનવીને લાભ મળી શક્યો નથી. રાજ્ય સરકાર ભલે સુફિયાણી વાતો કરે પણ ઓડિટ રિપોર્ટમાં જ જીલ્લા પંચાયતોમાં થયેલાં ગોટાળા, ગેરરીતિનો પર્દાફાશ થયો છે. માતા-બાળ મૃત્યુ દરમાં ઘટાડો થાય તે માટેની સરકારી યોજનામાં વ્યાપકપણે ગોટાળા થયાં છે. આંખે ઉડીને વળગે તેવી વાત એ છે કે, ગરીબી રેખા નીચે જીવતી મહિલાઓને લાભ આપવાને બદલે ઈન્કમટેક્સ ભરતી મહિલાઓને સરકારી યોજનાનો લાભ આપવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર મોટા ઉપાડે સરકારી યોજનાની જાહેરાતો કરે છે પણ તેનો છેવાડાના માનવી સુધી લાભ મળે છે કે કેમ તે અંગે કોઈ ચિવટ રાખવામાં આવતી નથી. જીલ્લા પંચાયતોમાં સરકારી યોજનાનો દૂરપયોગ થઇ રહ્યો છે તેમ છતાંય સત્તાધીશો મૌન ધારણ કરીને બેઠાં છે. ગુજરાત વિધાનસભામાં 2017-18નો પંચાયત અંગેનો રિપોર્ટ 7 વર્ષ પછી રજૂ થયો છે.
પંચાયતના ઓડિટ રિપોર્ટમાં એવો ખુલાસો થયો છે કે, માત્ર આરોગ્ય વિભાગની યોજનામાં જ પંચાયત લાભાર્થીઓને પુરતો લાભ અપાવી શકી નથી. પોરબંદર, પંચમહાલ, દ્વારકા, ગીર સોમનાથ જિલ્લા, મોરબી, પાટણ અને ભાવનગર પંચાયતોમાં એવી ગેરરીતિઓ ધ્યાને આવી છે કે, માતા મૃત્યુ દર ઘટાડવા માટેની બાળ સખા યોજના જાણે ધણીદોરી વિનાની બની રહી હતી કેમકે, આ યોજના માત્ર ગરીબ મહિલાઓને લાભ મળે તે માટે અમલમાં છે પણ ઇન્કમટેક્સ ભરતી હોય તેવી મહિલાઓએ પણ આ યોજનાનો લાભ લીધો છે.
રિપોર્ટમાં ઓડિટરે નોંધ્યુ છે કે, ચિરંજીવી યોજનામાં તો ખાનગી હોસ્પિટલોને બખ્ખાં કરાવી દેવાયા છે. ડોક્ટરોને નિયમોને નેવે મૂકીને નાણાં ચૂકવાયાં છે. હદ તો ત્યારે થઇકે, મૃત્યુ પામ્યાં હોય તેવા બાળકોને પણ આ યોજના હેઠળ સહાય ચૂકવી દેવાઈ છે.
હોસ્પિટલોમાં રજીસ્ટર અપડેટ નથી, ઓડિટ કરાયુ નથી, યોજના અંગે નિયમિત ચકાસણી કરાઈ નથી. જરૂૂરિયતમંદો સરકારી યોજનાનો લાભ મેળવી શકે તે માટે રાજ્ય સરકારે લાખો રૂૂપિયા ગ્રાન્ટ આપી પણ પૂરતો પ્રચાર કરાયો નહી. કેટલીય જીલ્લા પંચાયતોમાં પ્રચાર માટેની ગ્રાન્ટ વણવપરાયેલી રહી. આ યોજના પર દેખરેખ માટે મોનિટરીંગ કમિટી પણ નામપુરતી બની રહી હતી. આ કમિટી નિયમિત મળતી જ નથી. આમ, સરકારી યોજનામાં પોલંપોલ ચાલી રહ્યુ છે.