બોગસ પોલીટિકલ પાર્ટીને આપેલ દાનની કપાત પાછી ખેંચી લેવી એ મિસરિપોર્ટિંગ નથી

ઇન્કમટેક્સ એપલેટ ટ્રિબ્યુનલનો અગત્યનો ચુકાદો, ITમાં દાન બાદ લેનારા અનેકને રાહત થશે ઇન્કમટેક્સ અપીલેટ ટ્રિબ્યુનલ (ITAT), અમદાવાદે કરદાતાઓની તરફેણમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું…

ઇન્કમટેક્સ એપલેટ ટ્રિબ્યુનલનો અગત્યનો ચુકાદો, ITમાં દાન બાદ લેનારા અનેકને રાહત થશે

ઇન્કમટેક્સ અપીલેટ ટ્રિબ્યુનલ (ITAT), અમદાવાદે કરદાતાઓની તરફેણમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે રાજકીય દાન માટે કપાતનો દાવો કર્યા પછી, પુન:મૂલ્યાંકન દરમિયાન તે દાવો પાછો ખેંચી લેવો કે નામંજૂર થવો એ આપમેળે આવકની ‘મિસરિપોર્ટિંગ’ ગણાય નહીં. આ આદેશ સાથે ITATએ આકારણી વર્ષ 2019-20ની અપીલોની હારમાળામાં કરદાતાઓ પર મૂકેલો 200 ટકા સુધીનો ભારે દંડ રદ કરી દીધો છે.

આ કેસોમાં કરદાતાઓએ કલમ 80જીજીસી હેઠળ રાજકીય પક્ષોને આપેલા દાન માટે કપાતનો દાવો કર્યો હતો. જોકે, ટેક્સ વિભાગની રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમમાંથી મળેલી માહિતીના આધારે કથિત બોગસ રાજકીય દાન અંગે કલમ 148 હેઠળ નોટિસ મળ્યા બાદ કરદાતાઓએ રિટર્ન સુધારીને કપાતનો દાવો પાછો ખેંચી લીધો હતો અને ટેક્સ ચૂકવી દીધો હતો. આમ છતાં, આકારણી અધિકારીઓએ તેને ઇરાદાપૂર્વકનું મિસરિપોર્ટિંગ ગણીને કલમ 270એ હેઠળ ટેક્સના 200 ટકા સુધીનો દંડ ફટકાર્યો હતો.

ITAT અમદાવાદે અગાઉના નિર્ણયોને ધ્યાનમાં રાખીને નિર્દેશ આપ્યો કે રિટર્નમાં દર્શાવેલો કપાતનો દાવો પાછો ખેંચવો કે નામંજૂર થવો એ પોતે જ આવકની ખોટી રજૂઆત સાબિત કરતું નથી. કલમ 270એ(9) મુજબ ઊંચો દંડ લાદવા માટે કરદાતાએ હકીકતો છુપાવી હોય, ખોટી એન્ટ્રીઓ કરી હોય કે બનાવટી પુરાવા રજૂ કર્યા હોય તે રેકોર્ડ પર સાબિત થવું જરૂૂરી છે. જો કરદાતાએ દાનની વિગતો રિટર્નમાં પારદર્શક રીતે દર્શાવી હોય, તો માત્ર દાવો પાછો ખેંચવાથી તેને ગુનાહિત ભૂલ ગણી શકાય નહીં.

આ ચુકાદાથી નોટિસ મળ્યા બાદ દાવો પાછો ખેંચીને ટેક્સ ભરી દેનાર કરદાતાઓને દંડમાંથી મોટી રાહત મળી છે. જોકે, આનો અર્થ એ નથી કે બોગસ દાનના કેસોમાં કાર્યવાહી બંધ થઈ જશે; ટેક્સ વિભાગ હજુ પણ કલમ 148 હેઠળ કેસ ખોલીને બાકી ટેક્સ વસૂલી શકે છે, પરંતુ ઇરાદાપૂર્વકની ગેરરીતિ સાબિત કર્યા વગર 200 ટકા સુધીનો આકરો દંડ લાદી શકશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *