સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું હતું કે ‘એક જ દિવસની, એક જ સેક્ટરમાં ઉડાન ભરનારી એક ઍરલાઇન જે ભાડું લે છે એના કરતાં બીજી કોઈ ઍરલાઇન ખૂબ જ વધુ અને અલગ ભાડું લે છે. આ અંતરને ઠીક કરવા માટે સરકારે કંઈક પગલાં તરત લેવાં જોઈએ.’
ગઈકાલે સોશ્યલ એક્ટિવિસ્ટ એસ. લક્ષ્મીનારાયણની અરજી પર સુનાવણી દરમ્યાન જજે આ નિર્દેશ કર્યો હતો. અરજીમાં લક્ષ્મીનારાયણે કહ્યું હતું કે ‘એરક્રાફટ એક્ટ 1937ના નિયમ પહેલેથી છે, પરંતુ સમસ્યા એ છે કે એનું પાલન નથી થઈ રહ્યું. જ્યાં સુધી નવા નિયમ નહીં બને ત્યાં સુધી જૂના નિયમો રહેશે અને એનું પાલન પણ નહીં થાય. દેશમાં મજબૂત અને સ્વતંત્ર રેગ્યુલેટર બનાવવું જોઈએ જે એરલાઇન્સનાં ભાડાં અને એક્સ્ટ્રા ચાર્જિસ પર દેખરેખ રાખે.’
જસ્ટિસ વિક્રમ નાથ અને જાસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે આ અરજીની સુનાવણી દરમ્યાન અરજીકર્તાની વાત સાથે સહમત થતાં સરકારી વકીલને કહ્યું હતું કે ‘બે ઍરલાઇનનું ભાડું અલગ-અલગ કેમ હોય છે? એક જ સેક્ટરમાં એક જ દિવસે હવાઈ ભાડું 8000 રૂૂપિયાથી લઈને 18,000 સુધીનું હોય છે. એવું કેમ? સરકારે આ બાબતે કડક પગલાં લઈને લોકોને થોડીક રાહત આપવી જોઈએ.’
સરકાર તરફથી વકીલ તુષાર મહેતાએ કહ્યું હતું કે ‘સરકાર આ સમસ્યા પર કોઈ દલીલ નથી કરી રહી અને કોઈ વિરોધ પણ નથી કરી રહી. 2024નો નવો કાયદો લાગુ કરવા તેમ જ સખત નિયમો બનાવવા પર ચર્ચા ચાલી જ રહી છે.’
