દેશમાં રિટેલ ફુગાવા બાદ હવે જથ્થાબંધ ફુગાવામાં પણ વધારો થયો છે. જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) આધારિત ફુગાવાનો દર ઓગસ્ટના 9.9 ટકાથી વધીને સપ્ટેમ્બરમાં 11.39 ટકા થયો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા આજે જાહેર કરાયેલા આંકડા સૂચવે છે કે ભાવમાં થયેલા વધારાને કારણે અર્થતંત્ર પર ફુગાવાનું દબાણ વધી રહ્યું છે. નોંધનીય છે કે રિટેલ ફુગાવો પણ ઓગસ્ટના 4.83% થી વધીને સપ્ટેમ્બરમાં 5.54% થયો હતો; આ આંકડા આ અઠવાડિયાની શરૂૂઆતમાં જાહેર કરવામાં આવ્યા હતા.
ખનિજ તેલ, ખાદ્ય પદાર્થો, ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, કોલસો, મૂળભૂત ધાતુઓ, રસાયણો, કાપડ, રબર-પ્લાસ્ટિક ઉત્પાદનો અને વિદ્યુત ઉપકરણોના ભાવમાં થયેલો વધારો જથ્થાબંધ ફુગાવામાં વધારો કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી ગયો છે. ઈંધણ અને વીજળી શ્રેણીમાં ફુગાવો ઓગસ્ટના 22.93% ની સરખામણીએ સપ્ટેમ્બરમાં વધીને 25.85% થયો છે. દરમિયાન, આગામી મહિનાઓમાં ખાદ્ય ફુગાવા અંગે રાહત મળવાની આશાઓ ધૂંધળી થતી જણાય છે.
ઉત્પાદિત વસ્તુઓ (મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સ) માટેનો ફુગાવો ઓગસ્ટના 8.37% થી વધીને સપ્ટેમ્બરમાં 9.76% થયો છે. પ્રાથમિક વસ્તુઓ માટેનો ફુગાવો પણ 7.76% થી વધીને 8.67% થયો છે; આ શ્રેણીમાં ખાદ્ય પદાર્થો, બિન-ખાદ્ય વસ્તુઓ અને ખનિજોનો સમાવેશ થાય છે.
જથ્થાબંધ ખાદ્ય સૂચકાંક – જેમાં ખાદ્ય પદાર્થો અને ખાદ્ય ઉત્પાદનોનો સમાવેશ થાય છે – તેમાં ફુગાવો ઓગસ્ટના 7.05% થી વધીને સપ્ટેમ્બરમાં 8.66% થયો છે. અર્થશાસ્ત્રીઓનું અનુમાન છે કે આગામી ત્રણથી છ મહિના સુધી ખાદ્ય ફુગાવો ઊંચો રહી શકે છે. કેટલાક નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે કે તે 7-8% સુધી પહોંચી શકે છે.
જથ્થાબંધ ફુગાવાના દરમાં થયેલો વધારો રોજિંદા વપરાશની વસ્તુઓના ભાવને અસર કરે તેવી શક્યતા છે. જથ્થાબંધ ફુગાવામાં થયેલો આ વધારો વ્યવસાયો અને ઉત્પાદન ક્ષેત્ર માટે ખર્ચનું દબાણ વધારી શકે છે. જોકે, જથ્થાબંધ ફુગાવામાં વધારાનો અર્થ એ નથી કે છૂટક બજારમાં તમામ વસ્તુઓ સમાન પ્રમાણમાં મોંઘી થઈ જશે. છૂટક ભાવ માંગ, પુરવઠો, પરિવહન ખર્ચ અને કોર્પોરેટ ભાવ નિર્ધારણ નીતિઓ જેવા પરિબળોથી પણ પ્રભાવિત થાય છે.
ફુગાવામાં વધારા માટે કઈ વસ્તુઓ જવાબદાર હતી?
વિવિધ શ્રેણીની વસ્તુઓના ભાવમાં વધારો જથ્થાબંધ ફુગાવામાં ઉછાળા માટે જવાબદાર છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બરમાં ફુગાવાને વેગ આપનારા મુખ્ય પરિબળોમાં નીચેનાનો સમાવેશ થાય છે.
ખનિજ તેલ અને પેટ્રોલિયમ ઉત્પાદનો
ખાદ્યપદાર્થો
કાચું પેટ્રોલિયમ અને કુદરતી ગેસ
કોલસો અને લિગ્નાઈટ
મૂળભૂત ધાતુઓ અને તેના ઉત્પાદનો
રસાયણો અને રાસાયણિક ઉત્પાદનો
કાપડ, રબર અને પ્લાસ્ટિક ઉત્પાદનો
વિદ્યુત ઉપકરણો
