જામનગર મહાનગર પાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક જૂથના નેતા અને દંડક સહિતના મહત્વના 5 પદાધિકારીઓની પસંદગી માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા યોજાઇ હતી.
મળતી માહિતી મુજબ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નિમાયેલા નિરીક્ષકો તરીકે પૂર્વ મેયર ગૌતમભાઈ શાહ તથા સંગઠન સંયોજક રાજુભાઈ પટેલ જામનગર આવી પહોંચ્યા હતા. તેઓએ શહેર ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજી ચૂંટાયેલા કોર્પોરેટરો સાથે વ્યક્તિગત તેમજ સમૂહમાં ચર્ચા કરી મંતવ્યો મેળવવાની પ્રક્રિયા હાથ ધરી હતી. જામનગર મહાનગરપાલિકામાં કુલ 64 માંથી 60 કોર્પોરેટરો (30 મહિલા અને 30 પુરુષ) ભાજપના બહુમતી સભ્યો ચૂંટાઈ આવ્યા છે.
આ બેઠકમાં જામનગર મહાનગરના પ્રભારી ધનસુખભાઈ ભંડેરી ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી તેમજ શહેરના શહેર ભાજપના મહામંત્રીઓ વિજયસિંહ જેઠવા, મૃગેશભાઈ દવે, ભાવેશભાઈ ઠુમમર સહિતના હોદ્દેદારો, આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
સાથે સાથે પાર્ટીના અગ્રણીઓએ નિરીક્ષકો સમક્ષ વિવિધ સમીકરણો અને સંભાવનાઓ અંગે ચર્ચા કરી હતી. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિરીક્ષકો દ્વારા તૈયાર કરાયેલ અહેવાલ પાર્ટી હાઈકમાન્ડને મોકલવામાં આવ્યો હતો.
