વિશ્ર્વના વિવિધ દેશોને અમેરિકી પ્રમુખ ટ્રમ્પની સુરક્ષા કવચ આપવા હૈયા ધારણા
અમેરિકા અને ઈઝરાયેલ છેલ્લા પાંચ દિવસથી ઈરાન પર ભયાનક હુમલાઓ કરી રહ્યા છે, તો ઈરાન પણ વળતો જવાબ આપીને ઈઝરાયલ સહિત મધ્ય-પૂર્વના દેશોમાં અમેરિકન સૈન્ય અડ્ડાઓ પર મિસાઈલો ઝિંકી રહ્યું છે. બીજીતરફ યુદ્ધના કારણે વિશ્વભર માટે અતિમહત્ત્વનો જળમાર્ગ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ સંપૂર્ણ બંધ થઈ ગયો છે. બે દેશોના હુમલા બાદ ઈરાને ધમકી આપી હતી કે, હોર્મુઝમાંથી પસાર થતા ટેન્કરો પર હુમલા કરાશે. આ ધમકી બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વળતો જવાબ આપ્યો છે.
ઈરાને હોર્મુઝ બંધ કરવાની ધમકી આપ્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું છે કે, અમેરિકાનું નૌકાદળ તેલ ટેન્કરોને સુરક્ષા કવચ આપશે. જેનાથી વિશ્વભરમાં ઊર્જાનો સપ્લાયમાં કોઈપણ અડચણ આવશે નહીં. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ પર લખ્યું છે કે, ‘જો જરૂૂર પડશે તો અમેરિકન નૌકાદળ તેલ ટેન્કરોને સુરક્ષા કવચ પુરુ પાડશે. ભલે ગમે તે થાય, પરંતુ અમેરિકા વિશ્વાસ સાથે કહે છે કે, કોઈપણ અડચણ વગર વિશ્વભરને ઊર્જાનો પૂરવઠો મળતો રહેશે.’ ટ્રમ્પે આદેશ પણ આપ્યો છે કે, ‘કોમર્શિયલ જહાજોને વીમાની સુવિધા આપવામાં આવે, જેથી ડરી ગયેલા જહાજ માલિકોને સુરક્ષાનો અહેસાસ થાય.’
ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું છે કે, ‘મેં તાત્કાલીક અસરથી અમેરિકાના સંયુક્ત રાજ્ય વિકાસ નાણાંકીય નિગમને આદેશ આપ્યો છે કે, તેઓ ખાડીમાંથી પસાર થતા તમામ ઊર્જા સહિત કોમર્શિયલ જહાજને નાણાંકીય સુરક્ષા આપવા માટે રાજદ્વારી જોખમ વીમો અને ગેરેન્ટી આપે. આ સુવિધા તમામ શિપિંગ લાઈનોને ઉપલબ્ધ કરાવવામાં આવે.’
ઉલ્લેખનીય છે કે, ચીન અને જાપાનમાં 80થી 90 ટકા ક્રુડ તેલ પશ્ચિમ એશિયામાંથી આવે છે. ભારતમાં પણ 1.5 લાખ મિલિયન બેરલ ક્રુડ આ જળમાર્ગથી આવે છે. એવા અહેવાલો પણ છે કે હોર્મુઝથી પસાર થનારા પર્શિયલ ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાનમાં ભારતની 37 શિપ ફસાયેલી છે જેમાં કુલ 1109થી વધુ સેઇલર્સ કે સ્ટાફ અથવા નાવિકો સામેલ છે. યુદ્ધના કારણે આ વિસ્તારમાં 700 ટેન્કરો ફસાયેલા છે.
